નવલા નોરતાના પ્રથમ દિવસે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના નાગરીકોને અમૂલ ભેટ
રાજ્યમાં છેક નાના ગામથી માંડીને મોટા શહેરોને ઉત્તમ પ્રકારના માર્ગોથી જોડવામાં આવ્યા છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ
આણંદ : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં એર, રેલ અને રોડ કનેક્ટિવિટીનું સુદ્રઢ માળખું ઉભુ કરવામાં આવ્યું છે. તેના કારણે ગુજરાતના વિકાસને નવી ગતિ અને નવા સીમાચિહ્નો મળ્યા છે. રાજ્યમાં છેક નાના ગામથી માંડીને મોટા શહેરોને ઉત્તમ પ્રકારના માર્ગોથી જોડવામાં આવ્યા છે. આ બાબતની પ્રતીતિ તમે ગુજરાત બહાર જાવ તો અથવા બહારના કોઇ ગુજરાતમાં આવે એટલે થયા વિના રહેતી નથી.
મુખ્યમંત્રીશ્રી પટેલે નવલા નોરતાના પ્રથમ દિવસે બોચાસણની પાવન ભૂમિ ઉપરથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચે અંતર ટૂંકુ કરતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂા.૧૦૦૫ કરોડના ખર્ચે નવનિર્મિત તારાપુરથી વાસદ ૪૮ કિલો મીટર લંબાઈના છ માર્ગીય માર્ગનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં માર્ગ મકાન વિભાગ હસ્તકના રૂ.૨૦૬.૯૩ કરોડના વિવિધ ૬ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. હવે તારાપુરથી વાસદ માત્ર ૩૫ મિનિટમાં પહોંચી જવાશે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર સૌના સાથ, સૌના વિકાસ અને સૌના વિશ્વાસથી જનજનને સાથે રાખીને પ્રગતિના માર્ગે આગળ વધી રહી છે. કોરોનાકાળમાં પણ ગુજરાતની વિકાસયાત્રાને થંભવા દીધી નથી. ગુજરાતે કોરોનાકાળમાં સમગ્ર દેશમાં શ્રેષ્ઠ કામગીરી કરીને લોકોની તકલીફ હળવી કરવાના તમામ પ્રયત્નો કર્યા છે.
માર્ગ અને મકાન મંત્રી શ્રી પૂર્ણેશભાઇ મોદીએ કહ્યું કે, આ માર્ગની સમાંતર તારાપુર – બગોદરા કડીનું કામ પણ ૧૦૦ દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. તે પૂર્ણ થતાં પ્રવાસીઓને સારી સવલત મળશે. પહેલા એક જમાનો એવો હતો કે માર્ગો નહોતા. ગામડાઓમાં વીજળી નહોતી. પીવાના પાણીની કે આરોગ્યની સુવિધા નહોતી. પણ, લોકોની સમસ્યાઓને ધ્યાને રાખીને રાજ્ય સરકારે આ પાયાની ભૌતિક સુવિધાઓ આપીને જનવિશ્વાસ સંપાદિત કર્યો છે.
Other News : તંત્ર મોડું મોડું જાગ્યું : આણંદ જિલ્લામાં ડામર મેટલ-ડામર-પેવર પેચવર્ક સહીતની કામગીરી પૂરજોશમાં