ટોક્યો : ટોક્યો ઓલમ્પિકમાં કોરોનાએ એન્ટ્રી કરી છે. ખેલ ગામ ખાતે કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો છે. ટોક્યો ઓલમ્પિકના આયોજકોએ કોરોનાથી સંક્રમિત અધિકારીને ૧૪ દિવસ માટે ક્વોરેન્ટાઈન કરી દીધો છે.
ટોક્યો ૨૦૨૦ના સીઈઓ તોશીરો મુટોએ આયોજનમાં સામેલ વિદેશથી આવેલા એક મહેમાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની પૃષ્ટિ કરી હતી. આગામી ૨૩ જુલાઈથી ટોક્યો ઓલમ્પિકની શરૂઆત થવાની છે. રમત શરૂ થવાના થોડા દિવસ પહેલા જ કોરોનાનો કેસ સામે આવવાથી આયોજકો ચિંતામાં મુકાયા છે.
ઉલ્લેખનીય છે કે, ૧૩ જુલાઈના રોજ ખેલ ગામ ખોલવામાં આવ્યું હતું. અહીં દરરોજ ખેલાડીઓનો કોરોના રિપોર્ટ કરવામાં આવશે. ઓલમ્પિક માટે આશરે ૧૧,૦૦૦ અને ૨૪ ઓગષ્ટથી શરૂ થનારા પેરાલમ્પિક માટે લગભગ ૪,૪૦૦ એથલીટ્સ આવશે તેવી આશા છે.
આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિના કહેવા પ્રમાણે ગામમાં આવનારા આશરે ૮૦ ટકાથી વધારે લોકોને વેક્સિનના બંને ડોઝ લાગી ચુક્યા છે.
થોડા દિવસો પહેલા કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી જાપાનની રાજધાની ટોક્યોમાં ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી. આ ઈમરજન્સી ૨૨ ઓગષ્ટ સુધી લાગુ રહેશે. તે સિવાય કોવિડ-૧૯ મહામારીના કારણે ટોક્યો ઓલમ્પિક દર્શકો વગર જ યોજાશે.
આ તરફ ભારતીય નિશાનેબાજી દળ પણ ટોક્યો પહોંચી ગયું છે. તેઓ શનિવારે સવારે ૫ઃ૦૦ કલાકે ટોક્યો પહોંચ્યા હતા. ટીમના આગમન બાદ કરવામાં આવેલા કોવિડ-૧૯ રિપોર્ટના પરિણામોની રાહ જોવાઈ રહી છે.
Other News : ભારત સામેની શ્રેણી માટે શ્રીલંકાની ૨૪ ખેલાડીઓની ટીમ જાહેર