સુરત વિભાગની ૧૨૦૦,અમદાવાદ વિભાગની દૈનિક ૧૫૦ બસો વધારાની દોડાવવામાં આવશે. અત્યાર સુધીમાં ૩૦૦થી વધુ બસોનું બુકિંગ પણ થઈ ગયું
અમદાવાદ : કોરોના નિયંત્રિત થતાં જ તમામ ક્ષેત્રો હવે અનલોક થઈ ગયાં છે. આગામી સમયમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે ગુજરાત વાહન વ્યવહાર વિભાગે લોકોને મુસાફરીમાં તકલીફ ના થાય તે માટે વધારાની એસટી બસો દોડાવાનું નક્કી કર્યું છે. એસ.ટી નિગમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ૨૫ ટકા વધુ ભાડા સાથે આ વખતે પણ ૧૫૦૦ બસો દોડાવવામાં આવશે. જેમાં સૌથી વધુ સુરત વિભાગની ૧૨૦૦ જયારે અમદાવાદ વિભાગની દૈનિક ૧૫૦ બસો વધારાની દોડાવવામાં આવશે.
અત્યાર સુધીમાં ૩૦૦થી વધુ બસોનું બુકિંગ પણ થઈ ગયું છે
એસ.ટી.નિગમ આ વર્ષે દિવાળીના તહેવારને ધ્યાને રાખીને કુલ ૧૫૦૦ જેટલી વધારાની બસોનું સંચાલન કરી રહ્યું છે. જેમાં સુરત વિભાગની ૧૨૦૦, જ્યારે અમદાવાદ વિભાગની ૪૦૦ બસ કાર્યરત રહેશે. જેની શરૂઆત ૨૯ ઓક્ટોબરથી થશે, જે ૪ નવેમ્બર સુધી ચાલશે. એસટી નિગમના પ્રવક્તા કે.ડી દેસાઈએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું કે ખાનગી બસ સંચાલકો તહેવારોના સમયમાં ભાડા ડબલ કરી દેતા હોય છે. તેવા સમયે પ્રવાસીઓને અગવડતા ન પડે તે માટે તમામ વિભાગોને વધારાની બસો સિવાય જરૂર પડે પ્રવાસીઓની માંગને જોતા બસની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા માટે સૂચના આપવામાં આવી છે.
ગયા વર્ષે નિગમને વધારાની બસોનું સંચાલન થકી રૂપિયા ૪ કરોડ ૪૬ લાખની આવક થઇ હતી, ત્યારે આ વર્ષે નિગમ વધારાની બસો મારફતેથી ૫-૬ કરોડની આવક કરવાનો લક્ષ્યાંક રાખી રહ્યું છે. છેલ્લા ૧૫ વર્ષથી વધારાની બસો માટે ૨૫ ટકા વધારે ભાડા સાથે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવે છે. દર વર્ષે દિવાળી તથા હોળીના તહેવારને ધ્યાને રાખી ગુજરાત વાહન વ્યવહાર વિભાગ પ્રવાસીઓના ધસારાને ધ્યાને રાખી એક્સ્ટ્રા એસટી બસોનું સંચાલન કરતું હોય છે. જેમાંથી કરોડની આવક થતી હોય છે.
Other News : તહેવારો દરમિયાન કોવિડ-૧૯ માર્ગદર્શિકાનું પાલન કરવાનો અનુરોધ કરતા જિલ્લા કલેકટર મનોજ દક્ષિણી