શહેરની ૫૦ થી પણ વધારે શાળાઓમાં ધોરણ ૬ થી ૮ માં વિદ્યાર્થીઓને ઓફલાઇન અભ્યાસ માટે મોકલવા માટે એક પણ વાલીઓએ સંમતિ આપી ના હોવાનું જાણવા મળ્યું છે
વડોદરા : કોરોનાની બીજી લહેર હવે ઓસરી રહી છે. ત્યારે ગુજરાત સરકાર ધોરણ ૬થી ૮ના વર્ગો ફરીવાર શરૂ કરી રહ્યા છે. કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ વચ્ચે સ્કૂલો ઑફલાઈન શરૂ કરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓને ૫૦ ટકા કેપેસિટી સાથે ભણાવવામાં આવી રહ્યા છે. વાલીઓને પણ મનમાં ત્રીજી લહેરની ચિંતા સતાવી રહી છે, જેને કારણે તેઓ પોતાનાં બાળકને સ્કૂલમાં ઑફલાઈન અભ્યાસ માટે મોકલવાનું ટાળી રહ્યા છે.
શહેરની ૫૦ થી પણ વધારે શાળાઓમાં ધોરણ ૬ થી ૮ માં વિદ્યાર્થીઓને ઓફલાઇન અભ્યાસ માટે મોકલવા માટે એક પણ વાલીઓએ સંમતિ આપી ના હોવાનું જાણવા મળ્યું છે. મોટાભાગના વાલીઓ થોભો અને રાહ જુઓની નિતિ અપનાવી રહ્યા છે. નવા સત્રની શરૂઆત પછી પ્રથમ વાર ધોરણ ૬ થી ૮ ની શાળાઓ ઓફલાઇન માધ્યમથી શરૂ કરવામાં આવી રહી છે. કોરોના કેસ વધતાં ગત સત્રમાં ૧૮ ફેબ્રુઆરીથી શરૂ થયેલા વર્ગો મહિનામાં જ બંધ કરવા પડયા હતા.
૨ સપ્ટેમ્બરથી ધોરણ ૬ થી ૮ નું શૈક્ષણિક કાર્ય શરૂ થશે. શિક્ષણ સમિતિની ૧૨૦ જેટલી શાળાઓમાં ૫૦ ટકા વાલીઓની સંમતિ આપી છે. જયારે ૩૫૦ ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓમાં માંડ ૨૦ ટકા વાલીઓએ સંમતિ આપી છે. જે મુજબ ૪૭૦ સ્કૂલના ૮૦ હજાર બાળકો પૈકી ૨૮ હજાર વિદ્યાર્થીને વર્ગમાં ભણાવવા વાલીઓએ તૈયારી બતાવી છે. ધોરણ ૬ થી ૮ માં ૮૦ હજાર બાળકો અભ્યાસ કરી રહ્યા છે. દોઢ મહિના પહેલા ઓફલાઇન મોડથી શરૂ થયેલા ધોરણ ૯ થી ૧૨ માં ૫૦ ટકા હાજરી નોંધાઇ રહી છે. ધોરણ ૬ થી ૮ની સ્કૂલો ગુરુવાર ૨ સપ્ટેમ્બરથી શરૂ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શાળાઓ દ્વારા વાલીઓના સંમતિ પત્રકો મંગાવવામાં આવ્યા છે જેમાં સરકારી શાળાઓમાં વધારે વાલીઓએ વિદ્યાર્થીઓને સ્કૂલો મોકલવા માટે હા પાડી છે.
Other News : પાણીપુરીના મહિના પહેલા લીધેલા સેમ્પલમાંથી ૩ સેમ્પલ ખરાબ : તંત્ર દોડતુ થયું