સુરત : ગુજરાત વિધાનસભા ચુંટણીના પ્રથમ તબક્કાનું ૮૯ બેઠકોનું મતદાન યોજાઈ ગયું છે, ત્યારે હવે આગામી પ ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થનાર છે, જેમાં ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૬૧ ટકા મતદાન નોંધાયું હતું.ત્યારે હવે ચારેબાજુ ઓછા મતદાનને લઈને ચર્ચાઓનો દોર શરૂ થયો છે.
વર્ષ ૨૦૧૭માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૬૮ ટકા મતદાન થયું હતું પરંતુ તેની સરખામણીએ વર્ષ ૨૦૨૨માં માત્ર ૬૧ ટકા જ મતદાન નોંધાયું છે
જો આપણે ૨૦૧૭ અને ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની વાત કરીએ તો ૨૦૧૭માં ૬૮ ટકા મતદાન થયું હતું. તે વખતે કુલ મતદારો ૨ કરોડ ૧૨ લાખ હતા. જેમાં ૧ કરોડ ૪૪ લાખ લોકોએ ૨૦૧૭માં મતદાન કર્યું હતું. પરંતુ વર્ષ ૨૦૨૨ની વાત કરીએ તો આ વખતે નવા વોટર્સ વધ્યા છે. આ વખતે મતદારોની સંખ્યા ૨ કરોડ ૩૯ લાખ હતી. જેમાંથી ૧ કરોડ ૪૬ લાખ લોકોએ મતદાન કર્યું છે. એ પ્રમાણે મતદારોની સંખ્યા જોવા જઈએ તો ૬૧ ટકા મતદાન થયું છે. પણ જો ૨૦૧૭ની ચૂંટણી કુલ મતદાનનો આંકડો જોવા જઈએ તો આ વખતની ચૂંટણીમાં ૨ લાખ મત વધારે પડ્યા છે.
વર્ષ ૨૦૧૭ની સરખામણીએ આ વખતે ૨૭ લાખ મતદારો વધ્યાં છે. એટલેકે, ૨૭ લાખ નવા મતદારોનો આ યાદીમાં સમાવેશ થયો છે. વર્ષ ૨૦૧૭માં પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની ૮૯ વિધાનસભા બેઠકો માટે મતદાન યોજાયું હતું. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સાંજે મતદાનની ટકાવારી વધીને ૬૮ ટકા થઈ ગઈ હતી. તે વખતે પણ ગુજરાતની ચૂંટણીના પ્રથમ તબક્કામાં કુલ ૯૭૭ ઉમેદવારો મેદાનમાં છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ૨.૧૨ કરોડ લોકો મતદાન કરવા પાત્ર હતા.
ગુજરાતની ચૂંટણીના ઈતિહાસ પર નજર કરીએ તો સામાન્ય રીતે વધારે મતદાન હંમેશાં ભાજપની તરફેણમાં રહ્યું છે. અને એ જ કારણ છે પ્રધાનમંત્રી મોદી પોતે પણ વધુ મતદાન માટે સતત અપીલ કરતા રહ્યા છે.
Other News : સોજીત્રામાં ઉમેદવાર વિપુલ પટેલના પ્રચારાર્થે વડાપ્રધાન મોદીએ જનસભા યોજી : કૉંગ્રેસ પર કર્યા પ્રહાર