મુંબઈ : આરબીઆઈએ એચડીએફસી બેંકને નવી ડિજિટલ બિઝને એક્ટિવિટી લોન્ચ ના કરવા તેમજ નવા ક્રેડિટ કાર્ડ ઈશ્યૂ ના કરવા માટે જણાવ્યું છે. એચડીએફસીની ઈલેક્ટ્રોનિક બેન્કિંગ સર્વિસમાં વારંવાર સર્જાતી ક્ષતિને ધ્યાનમાં લઈ મધ્યસ્થ બેંકે આ આદેશ આપ્યો છે. આ સાથે બેંકના બોર્ડને વારંવાર સર્જાતી આ ક્ષતિની તપાસ કરી તેના અંગેની જવાબદારી નક્કી કરવા માટે પણ તપાસ કરવા કહેવાયું છે. દેશની સૌથી મોટી પ્રાઈવેટ બેંક ગણાતી એચડીએફસીએ બુધવારે સ્ટોક એક્સચેન્જને જણાવ્યું હતું કે આરબીઆઈએ ૨ ડિસેમ્બરના રોજ આ આદેશ આપવામાં આવ્યો હતો. છેલ્લા બે વર્ષથી બેંકની ઈન્ટરનેટ બેન્કિંગ/મોબાઈલ બેન્કિંગ/પેમેન્ટ યુટિલિટીમાં સર્જાયેલી ક્ષતિને ધ્યાનમાં લેતા રિઝર્વ બેંકે આ આદેશ આપ્યો હતો. તાજેતરમાં જ ૨૧ નવેમ્બરના રોજ એચડીએફસી બેંકની ડિજિટલ બેન્કિંગ સેવા ખોરવાઈ ગઈ હતી, જેના કારણે અનેક ગ્રાહકો પોતાના ઈન્ટરનેટ બેન્કિંગનો એક્સેસ નહોતા કરી શક્યા.
બેંકે તેની પાછળનું કારણ આપતા જણાવ્યું હતું કે તેના એક મહત્વના ડેટા સેન્ટરમાં વીજળીનો પુરવઠો ખોરવાઈ જતાં આ સમસ્યા સર્જાઈ હતી. છેલ્લા બે વર્ષમાં એચડીએફસી બેંકમાં આવી સમસ્યા અનેકવાર સર્જાઈ છે. જેની ગંભીર નોંધ લેતા આરબીઆઈએ બેન્કને આપેલા આદેશમાં જણાવ્યું છે કે તે હંગામી ધોરણે તમામ પ્રકારની નવી લોન્ચ થનારી ડિજિટલ એક્ટિવિટીને મોકૂફ રાખે, કોઈ નવી એપ કે આઈટી એપ્લિકેશન લોન્ચ ના કરે તેમજ નવા ક્રેડિટ કાર્ડ ઈશ્યૂ ના કરે. બેંકના ગ્રુપ આઈટી હેડ અને સીઆઈઓ મુનીષ મિત્તલે જુલાઈ ૨૦૨૦માં જ પોતાનું પદ છોડ્યું હતું, અને બેંકે રમેશ લક્ષ્મીનારાયણની તેમના સ્થાને નિમણૂંક કરી હતી.
એચડીએફસી બેંકની ડિજિટલ સેવાઓમાં સર્જાતી ક્ષતિ ઘણીવાર સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બને છે. જેમાં સર્વર ડીલેથી માંડીને ઓટીપી આવવામાં મોડું થવા જેવી બાબતો પણ સામેલ છે. બેંકે આ અંગે આપેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે તેણે પોતાની આઈટી સિસ્ટમને દુરસ્ત કરવા માટે અનેક પગલાં લીધા છે, અને આગામી સમયમાં પણ તે તેમાં સુધારા ચાલુ રાખશે. જોકે, આ મામલે આરબીઆઈએ આટલું કડક પગલું લીધું હોય તેવી આ પહેલી ઘટના છે. ઉલ્લેખનીય છે કે, એચડીએફસીબેંકના ૯૦ ટકા જેટલા ટ્રાન્ઝેક્શન ડિજિટલી જ થાય છે.