દર વર્ષે 21 જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે…
દર વર્ષે 21 જૂનના દિવસે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસે વિશ્વભરમાં યોગથી સ્વાસ્થ્યને થતા ફાયદાઓ વિશે જાગરૂકતા ફેલાવવામાં આવે છે. યોગ કરીને તસવીર અને વીડિયો શેર કરવામાં આવે છે.
વડાપ્રધાન મોદીથી લઇને બોલીવુડના સેલેબ્રિટીઝ સુધી તમામ લોકો યોગ દિવસના અવસરે તસવીર અને વીડિયો શેર કરે છે. અને આ સાથે જ લોકોમાં યોગ પ્રત્યેની જાગરૂકતા ફેલાવવામાં આવે છે. તેઓ જણાવે છે કે યોગ શરીરને સ્વસ્થ રાખવા માટે કેટલું જરૂરી છે.
યોગ દિવસની શરૂઆત કેવી રીતે થઇ…?
વિશ્વભરમાં કેટલાય દેશોમાં લોકો સ્વસ્થ રહેવા માટે યોગ કરે છે. પરંતુ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની શરૂઆત કરવી તે ભારતની પહેલ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 27 સપ્ટેમ્બર 2014ના રોજ વિશ્વભરમાં યોગ દિવસ મનાવવા માટેની વિચારણા રજૂ કરી હતી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ પ્રસ્તાવ રજૂ થયાના માત્ર ત્રણ મહિનાની અંદર આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું આયોજન કરવાનું જાહેર કરી દીધું હતું.
મહાસભાએ 11 ડિસેમ્બર 2014એ જાહેર કર્યુ હતુ કે 21 જૂનનો દિવસ વિશ્વભરમાં યોગ દિવસ તરીકે મનાવવામાં આવશે. ત્યારથી 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવે છે.
21 જૂને જ કેમ યોગ દિવસ મનાવવામાં આવે છે?
21 જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાના રૂપે પસંદ કરવાનું ખાસ કારણ છે. હકીકતમાં આ દિવસ ઉત્તર ગોળાર્ધનો સૌથી લાંબો દિવસ છે, જેને ગ્રીષ્મ સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિના દ્રષ્ટિકોણથી ગ્રીષ્મ સંક્રાંતિ બાદ સૂર્યનો દક્ષિણાયનનો સમય આધ્યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્ત કરવામાં ખૂબ જ લાભદાયી છે. આ જ કારણથી 21 જૂનનો દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે.
ભારતનો પ્રથમ યોગ દિવસે જ વર્લ્ડ રેકોર્ડ
21 જૂન 2015ના પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવ્યો હતો. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 35 હજારથી વધારે લોકો અને 84 દેશોના પ્રતિનિધિઓએ દિલ્હીના રાજપથ પર યોગના 21 આસાન કર્યા હતા. આ કાર્યક્રમે બે ગિનીજ રિકોર્ડસ હાંસલ કર્યા હતા. પ્રથમ રેકોર્ડ 35,985 લોકોનું એક સાથે યોગાસન કરવું અને બીજો રેકોર્ડ 84 દેશોના લોકો દ્વારા આ કાર્યક્રમમાં એકસાથે ભાગ લેવો.