ચોટીલા જેવી જ સ્થિતિ પાવાગઢ સહિત અનેક ધાર્મિક સ્થળોએ જોવા મળી હતી : સરકારની સૂચના બાદ પણ દર્શનાર્થીઓ નિયમોનું પાલન કરવાનું ભૂલ્યા
ચોટીલા : રાજ્યમાં પવિત્ર શ્રાવણ મહિનો અને સોમવારે આજે કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે ચોટીલાના ઐતિહાસિક ચામુંડા માતાજીના દર્શન કરવા માટે માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતુ. ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હોવાથી ડુંગરનો ગેટ બંધ કરવાની ફરજ પડી હતી. ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરવાં માટે હેકડેઠઠ માનવમેદની ઊમટી પડતા શ્રધ્ધાળુઓ માટે ડુંગર ચડવા માટે પગથિયા પણ ટૂંકા પડ્યા હોવાથી લોકો આડેધડ ડુંગર ચડવા માંડ્યા હતા.
રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસના સાતમ અને આઠમના તહેવારોને લઇને લોકો પરિવારજનો સાથે રજા માણવા નીકળી પડ્યા હતા. ચામુંડા માતાજીના ડુંગરે માતાજીના દર્શન કરવાં માટે માનવ મહેરામણ ઉમટ્યો હતો. પવિત્ર શ્રાવણ માસના તહેવારના દિવસે ગુજરાત ભરમાંથી લોકો ઉમટી પડ્યા હોવાથી હાઇવે રોડ પર પણ ટ્રાફિકજામના દ્રશ્યો જોવાં મળ્યા હતા. દર્શનાર્થીઓની સાથે શ્રધ્ધાળુઓ માસ્ક વગર સોશ્યલ ડિસ્ટન્સીંગનો ભંગ કરવાની સાથે કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપતા નજરે પડ્યાં હતા.
તેવી જ રીતે ચોટીલા જેવી જ સ્થિતિ પાવાગઢમાં જોવા મળી હતી.પાવાગઢના ડુંગર પર પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. એક તબક્કે રોપ-વેમાં જવાનું છોડી,ભાવિકો મંદિર સુધી પહોચવા દોટ લગાવી હતી.ધાર્મિક સ્થળો પર ઉમટેલી આ ભીડે એક તબક્કે તો કોરોના ક્યારેય આવ્યો જ નથી.તેવો માહોલ બનાવી દીધો હતો.
Other News : રાજ્યમાં ડાકોર, દ્વારકા અને શામળાજીમાં જન્માષ્ટમીની ધૂમ : દર્શન કરવા ઉમટી પડ્યા ભક્તો