પાલનપુર : ગુજરાતમાં હવે કોંગ્રેસ યુવા નેતાઓના હાથમાં હોય તેવું લાગે છે. કારણ કે હાર્દિક પટેલ બાદ હવે અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ પણ કોંગ્રેસ જોઈન કર્યું છે. ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને કોંગ્રેસમાં આવકારવા માટે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલનપુરમાં એક અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના આગેવાનોએ હાજરી આપી હતી. કોંગ્રેસમાં જોડાઇને હવે જીગ્નેશ મેવાણી આગામી દિવસોમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસને વધારે મજબૂત બનાવવા માટે કામ કરશે.આ કાર્યક્રમમાં સંબોધન કરતાં સમયે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે નિવેદન આપ્યું હતું કે, અમે એક જ સંકલ્પ સાથે નીકળ્યા છીએ કે, જે લોકો ગુજરાતના હિત માટે કામ કરતા હોય તે તમામનું સ્વાગત કોંગ્રેસ કરે છે.
આવનારા દિવસોમાં અસંખ્ય લોકો કોંગ્રેસની સાથે જોડાશે : હાર્દિક પટેલ
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને લઈને હાર્દિક પટેલે નિવેદન આપતા કહ્યું હતું કે, ભાજપ પ્રદેશ પ્રમુખ માત્રને માત્ર લોકોને ગુમરાહ કરે છે. લોકો ૩૦ વર્ષથી ભાજપની સરકાર બનાવી રહ્યા છે પરંતુ ભાજપ યુવાનોને રોજગારી આપી શકી નથી. તો ગુજરાતના ખેડૂતોને દિવસે ૧૨ કલાક પણ વીજળી મળતી નથી. ગુજરાતમાં શિક્ષણ અને સ્વાસ્થ્યની સુવિધાઓ પણ મફત નથી કરી શક્યા. માત્ર વિરોધ પક્ષને લઇ આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. તેઓ ભાજપમાં દમ હોય તો ડિપોઝીટ ડુલ પછી કરજો પહેલાં ગુજરાતના એક એક યુવાનોને રોજગારી આપો. ગુજરાતની મહિલાઓને સુરક્ષિત કરો અને ખેડૂતોના દેવા માફ કરો.
હાર્દિક પટેલ વધુમાં જણાવ્યું હતું કે ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ બનાસકાંઠાની તમામ નવ સીટ જીતશે અને ગુજરાતની સત્તા પર કોંગ્રેસ હશે. જીગ્નેશ મેવાણીએ પણ નિવેદન આપ્યું હતું કે, આજે જે ઉત્સાહ બનાસકાંઠા એ બતાવ્યો છે તેવો જ ઉત્સાહ સમગ્ર ગુજરાત અને દેશમાં જોવા મળશે. ૨૦૨૨માં કોંગ્રેસની સરકાર બનશે એવી હું આશા વ્યક્ત કરું છું.
Other News : કચ્છ સરહદની જાસૂસી કરતો જવાન ઝડપાયો,પાકિસ્તાનને માહીતી આપતો હતો