ગુજરાતી કંપનીઓનું યોગદાન સૌથી ઓછું
૪,૩૧૬ કરોડ રૂપિયામાંથી બે તૃતિયાંશ હિસ્સો ખાનગી કંપનીઓનો, મહારાષ્ટ્રનો ફાળો સૌથી વધુ ૬૩ ટકા
ન્યુ દિલ્હી : કોરોના મહામારીના આ સંકટ દરમિયાન દેશના અનેક મોટા ઔદ્યોગિક ગૃહોએ આગળ આવીને ભારે મોટી મદદ કરી છે. આ કંપનીઓએ પોતાના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફંડ દ્વારા ભારે યોગદાન આપ્યું છે. માર્ચ મહીનાથી લઈને મે મહીના સુધીમાં ૮૪ કંપનીઓએ ૭,૫૩૭ કરોડ રૂપિયાનો ફાળો આપ્યો છે જેને કંપનીના સીએસઆર અંતર્ગત માનવામાં આવશે. આ કુલ રકમ પૈકીના ૪,૩૧૬ કરોડ રૂપિયાનું યોગદાન પીએમ કેર્સ ફંડમાં કરવામાં આવેલું છે. કુલ ૧૧૩ કંપનીઓએ કોરોના સંકટમાં મદદ માટે યોગદાન આપ્યું છે જે પૈકીની ૮૪ કંપનીઓએ સીએસઆર ફંડ અંતર્ગત સહયોગ આપ્યો છે.
તે સિવાય બાકીની ૩,૨૨૧ કરોડ રૂપિયાની રકમ કોરોના રાહત કાર્ય સાથે સંકળાયેલા અન્ય કામો માટે વાપરવામાં આવી છે. CRISILના અહેવાલ પ્રમાણે કોન્ટ્રિબ્યુશન આપનારી ૮૪ કંપનીઓમાંથી સૌથી વધુ ૩૬ કંપનીઓ મહારાષ્ટ્રની છે. આ કંપનીઓએ કોરોના રાહત કાર્ય માટે ૪,૭૨૮ કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો છે જે કુલ યોગદાનના ૬૩ ટકા બરાબર છે.
ત્યારબાદ તેમાં બીજા નંબરે દિલ્હીની કંપનીઓનો સમાવેશ થાય છે જેમણે ૧૭ ટકા ફાળો આપેલો છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતની કંપનીઓએ માત્ર સાત ટકા જેટલું યોગદાન આપેલું છે. ક્રિસિલના અહેવાલ પ્રમાણે ફંડ આપનારી ૮૪ કંપનીઓમાંથી ૫૬ ખાનગી ક્ષેત્રની છે અને કુલ ૭,૫૩૭ કરોડ રૂપિયાના યોગદાનમાં તેમનો ફાળો બે તૃતિયાંશ જેટલો છે. આ તરફ ૨૪ કંપનીઓ સાર્વજનિક ક્ષેત્રની છે અને તેમનો ફાળો ૩૦ ટકા છે. સાત વિદેશી કંપનીઓએ પણ કોરોના સંકટ દરમિયાન પોતાના સીએસઆર ફંડ દ્વારા યોગદાન આપ્યું છે.
પીએમ કેર્સ ફંડમાં જમા થયેલી કુલ રકમમાંથી કેન્દ્ર સરકારે ૩,૧૦૦ કરોડ રૂપિયા વેન્ટિલેટરની ખરીદી, પ્રવાસી મજૂરોની મદદ અને દવા તથા વિકાસકાર્યો માટે ફાળવી આપ્યા છે. તેમાંથી ૨,૦૦૦ કરોડ રૂપિયા વેન્ટિલેટરની ખરીદી માટે તે સિવાય ૧,૦૦૦ કરોડ રૂપિયા પ્રવાસી મજૂરોની મદદ માટે અને ૧૦૦ કરોડ રૂપિયા વેક્સિન શોધવા માટે ફાળવવામાં આવ્યા છે.