સોશિયલ મિડિયામાં મુકેશ અંબાણી બિમાર હોવાના સમાચારથી…
એક સપ્તાહમાં ૧ લાખ કરોડનો ઘટાડો, ટોપ-૧૦ શ્રીમંતોની યાદીમાં મુકેશ અંબાણી બે અંક નીચે ઉતર્યા,સાતમાં ક્રમે આવ્યા, ૪ અબજ ડોલરની સંપત્તિ ઘટી, હવે થઇ ૪૭.૨ અબજ ડોલર…
મુંબઇ : છેલ્લા અમુક દિવસથી સોશિયલ મીડિયા પર એવી ખબર વાયરલ થઈ રહી છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી બીમાર છે અને લંડનમાં તેમનું ઓર્ગેન ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. આ ખબર બાદ એક કલાકમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લીમિટેડના શેરમાં આજે ૬ ટકાથી વધુનો કડાકો જોવા મળ્યો છે.
શેરભાવમાં ઘટાડો થતા કંપનીની માર્કેટ કેપ લગભગ ૭૦ હજાર કરોડ રૂપિયા ઘટી છે. આ સાથે એક સપ્તાહ દરમિયાન કંપનીની માર્કેટ કેપમાં ૧ લાખ કરોડ રૂપિયાનો નોંધપાત્ર ઘટાડો થયો છે. જોકે, આરઆઇએલના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીની તબિયત અંગે કંપનીએ કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો છે. આપણે જણાવી દઈએ કે આ પહેલા આ વર્ષે જુલાઈમાં એક દિવસમાં આરઆઇએલનો શેર ૬.૨ ટકા તૂટ્યો હતો. જે તે સમય શેર ભાવ ૧૯૭૮ રૂપિયાથી ઘટીને ૧૭૯૮ રૂપિયા પર આવી ગયો હતો.
મુકેશ અંબાણીની તબિયત ખરાબ હોવાની ખબર છેલ્લા બે સપ્તાહથી સોશિયલ મીડિયા પર વહેતી થઈ છે. જે હેઠળ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમનું વજન લગભગ ૩૦ કિલો ઘટ્યું છે અને લંડનમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. ઉપરાંત, સોશિયલ મીડિયા પર એવી ચર્ચા પણ થઈ રહી છે કે મુકેશ અંબાણીની તબિયત ખરાબ હોવાના કારણે અંબાણી ફેમિલીના સભ્યો IPL મેચોમાં દેખાતા નથી. જોકે, કેટલીક બ્રોકરેજ હાઉસેસનું માનવું છે કે મુકેશ અંબાણીની બીમારી અંગે હાલ કોઈ પ્રમાણિક માહિતી નથી. જ્યાં સુધી સ્પષ્ટ માહિતી નથી મળતી ત્યાં સુધી આ અંગે કઈ પણ નિવેદન આપવું અયોગ્ય ગણાશે. કારણ કે આની અસર આરઆઇએલના શેર પર જોવા મળી શકે છે.
સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસ સોમવારે સવારે આરઆઇએલનો શેર ૬ ટકા ઘટીને ૧૯૪૦ રૂપિયા સુધી પહોંચ્યો હતો. જ્યારે દિવસ દરમિયાન શેર ૭ ટકાથી વધુ પટકાઈને ભાવ ૧,૯૦૨ રૂપિયા નજીક પહોંચ્યા છે. આ કારણે કંપનીની માર્કેટ કેપ રૂ.૭૦ હજાર કરોડ ઘટી ગઈ. જ્યારે ૨૩ ઓક્ટોબરથી લઈને અત્યાર સુધી કંપનીની માર્કેટ કેપ ૧ લાખ કરોડ રૂપિયા ઘટી ગઈ છે.