આણંદ જિલ્લાના અડાસ ખાતે તા. ૧૮ ઓગષ્ટ, ૧૯૪૨ ના રોજ હિંદ છોડો આંદોલન દરમિયાન અંગ્રેજોની ગોળીએ પાંચ સપૂતોએ શહાદત વહોરી હતી
આણંદ : ભારતની આઝાદીની ગાથા સાથે ચરોતરનો નીકટતાનો નાતો જોડાયેલો છે. મહાત્મા ગાંધીજીની દાંડી યાત્રા, હિન્દ છોડો ચળવળ સહિતના દેશદાઝભર્યા આંદોલનોમાં ચરોતરના અનેક સપૂતોએ પોતાના પ્રાણની આહૂતિ આપી હતી. આવા જ પાંચ યુવાઓ કે જેમણે મહાત્મા ગાંધીજીના હિન્દ છોડો આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી અને અંગ્રેજોની ગોળીથી વિંધાઇને શહીદી વહોરી હતી. તેમના માનમાં અડાસ ખાતે શહીદ સ્મારક બનાવવામાં આવ્યું છે.
આજથી ૮૧ વર્ષ પૂર્વે ૧૮ મી ઓગષ્ટ ૧૯૪૨ ના દિવસે હિંદ છોડો આંદોલન દરમિયાન ગાંધીજીનો ‘કરેંગે યા મરેંગે’ નો સંદેશો પહોંચાડવા માટે વડોદરાની શાળા અને કોલેજોમાં ભણતા ૩૪ યુવાનો વડોદરાથી કૂચ કરીને બાજવા ગયા અને ત્યાંથી ટ્રેનમાં બેસી નાવલી ગયા. નાવલીથી તેઓ ચાલતા વડોદ ગયા. ત્યાં તેઓ પોલીસની નજરે ચડયા. ’કરેંગે યા મરેંગે’ ના મંત્રને જીવનમાં ઉતારી ચૂકેલા આ યુવાનો કોઇપણ જાતના ડર વિના તેમનું કાર્ય કર્યે જતા હતા.
સૂત્રોચ્ચાર કરતા અને પત્રિકા વહેંચતા તે સૌ ત્યાંથી ગોપાલપુરા અને જહાંગીરપુરા થઇ આણંદ ઇન્સ્ટિટયૂટ ઓફ એગ્રિકલ્ચરમાં પહોંચ્યા હતા.
ક્રાંતિનો સંદેશો ફેલાવતા બપોર બાદ તેઓ આણંદથી પાછા વડોદ આવી પહોંચ્યા. વડોદની ભાગોળે એક ખેડૂતભાઇએ આ યુવાનોને સમાચાર આપ્યા કે, કેટલાક લાઠીધારી અને બંદૂકધારી પોલીસ તમારી તપાસમાં છે અને તમારી પૂછપરછ કરતા હતા માટે નાવલી ન જશો. આ ખેડૂતભાઇએ રાત પોતાને ત્યાં રોકાઇ જવા કહ્યું પણ ક્રાંતિના રંગે રંગાઇ ચૂકેલા આ યુવાનોને તેમના રસ્તા ઉપર કોઇ રોકી શકે તેમ ન હતું. યુવાનોને તે જ દિવસે વડોદરા પહોચવું હતું. એટલે તેઓ સૌ નાવલી ન જતાં ત્યાર પછીના સ્ટેશન અડાસ તરફ ઊપડયા અને ત્યાંથી વડોદરા જવા ટ્રેન પકડવા ઇચ્છતા હતા.
અડાસ રેલ્વે સ્ટેશન થોડું દૂર રહ્યું ત્યાં ટ્રેન સ્ટેશન ઉપર આવી ગઇ હતી. પાછળ પડેલા પોલીસોએ ટ્રેનમાંથી યુવાનોને જોયા કે તરત તેઓ ટ્રેનમાંથી પાટા ઉપર કૂદી પડયા અને રેલ્વે લાઇનની તારની વાડ ઓળંગી આ નવ યુવાનોને ખેતરમાં આંતર્યાં. પોલીસ નિર્દય રીતે તેમના પર તૂટી પડી. આ જુવાનોને નિર્દય પોલીસોની ગોળીઓએ વીંધી નાખ્યા. લાઠીઓ મારી, બંદૂકોના ફૂંદા માર્યા, બિભત્સ ગાળો દીધી અને મધરાત સુધી અંધારામાં ત્યાં જ પડયા રહેવા દીધા.
આ શહીદ સ્મારક ખાતે દર વર્ષે ૧૮ ઓગસ્ટના દિવસે શહીદ વીરોના માનમાં શહીદ સ્મૃતિ દિનની ઉજવણી કરવામાં આવે છે.
Other News : આણંદના કલેકટર ડી એસ ગઢવીને સસ્પેન્ડ કરાતાં સન્નાટો : ડીડીઓ મિલિન્દ બાપનાને કલેક્ટરનો વધારોનો ચાર્જ સોંપાયો