સુરત : વાલીઓને સરકારી શાળામાં પોતાના બાળકો સુરક્ષિત લાગી રહ્યા નથી. ખાનગી શાળાઓમાં પહેલા જ દિવસે ૮૦થી ૯૦ ટકા જેટલી બાળકોની હાજરી જોવા મળી હતી ત્યારે બીજી તરફ સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ વધુ સંખ્યામાં દેખાયા ન હતા.
શિક્ષણ સમિતિના સભ્ય રાકેશ દેસાઈએ જણાવ્યું કે સુરત શહેરની કોર્પોરેશનની શાળાઓમાં માત્ર ૨૪ ટકા જેટલા જ વાલીઓ પોતાના સંમતિ પત્ર આપ્યા છે. એવી શક્યતાઓ છે કે કોરોના સંક્રમણ ભલે નિયંત્રણમાં હોય પરંતુ હજી પણ બાળકોને શાળામાં મોકલવા માટે વાલીઓ અવઢવમાં છે. પોતાના બાળકોને સુરક્ષિત રાખવાની માનસિકતા ધરાવતા વાલીઓ સંમતિ પત્ર ન આપતા હોય એવું લાગી રહ્યું છે.
પરંતુ સરકાર દ્વારા તમામ બાબતોને ધ્યાનમાં રાખ્યા બાદ જ નિર્ણય લીધો છે. અમે પણ શાળાઓમાં પૂરતી વ્યવસ્થા રાખી રહ્યા છે કે જેથી કરીને બાળકોને કોઈ આરોગ્યલક્ષી મુશ્કેલી ન થાય. પરંતુ એક વાત ચોક્કસ છે કે વાલીઓમાં હજી પણ ડર જોવા મળી રહ્યો છે.
કોરોના સંક્રમણના કેસો નિયંત્રણમાં આવતાની સાથે જ શિક્ષણ વિભાગે શૈક્ષણિક કાર્ય શરૂ કરવા માટેના નિર્ણયો લેવા શરૂ કર્યા છે
પરંતુ હજી વાલીઓમાં અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. નગર શિક્ષણ સમિતિની શાળાઓમાં વાલીઓએ માત્ર ૨૪ ટકા જેટલા જ સંમતિ પત્ર મોકલ્યા છે. જે સૂચવે છે કે વાલીઓ હજી પણ પોતાના બાળકોને કોરોના સંક્રમણના ડરના કારણે શાળામાં મોકલવા માનસિક રીતે તૈયાર નથી. એક વાલીએ જણાવ્યું હતું કે, આટલો સમય રાહ જોયા બાદ હવે વધુ બે મહિના રાહ જોવામાં કંઈ ખોટું નથી લાગતું. રાજ્ય સરકાર દ્વારા ધોરણ ૬થી ૮ના વર્ગો શરૂ કરવાના નિર્ણય લેવાયા ત્યારે બે વિપરિત સ્થિતિ જોવા મળી રહી છે. એક તરફ ખાનગી શાળાઓમાં ૯૦ ટકા વધારે સંમતિ પત્ર મળી ગયા છે તો બીજી તરફ સરકારી શાળામાં માત્ર ૨૪ ટકા જ સંમતિપત્ર વાલીઓ દ્વારા આપવામાં આવ્યા છે.
Other News : ત્રીજી લહેરના ભય વચ્ચે ભાદરવી પૂનમની ઉજવણી થશે કે કેમ તે અંગે ભક્તો ચિંતીત