આણંદ : જિલ્લાના મે.એડજ્યુડીકેટીંગ ઓફીસર અને નિવાસી અધિક કલેક્ટરશ્રી દ્વારા ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ ચાલતા કેસો પૈકી ઉતરતી કક્ષા અને ખોટી બ્રાન્ડના (સબસ્ટાન્ડર્ડ અને મીસબ્રાન્ડેડ) ખાદ્યપદાર્થોના જાહેર થયેલા નમૂનાના ૩ કેસોમાં જવાબદાર પેઢીઓ/દૂકાનદારોને ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની કલમ ૫૧ અને પર હેઠળ કુલ રૂ. ૨.૧૫ લાખની રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ કાર્યવાહી અંર્તગત આણંદ જિલ્લામાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા લેવાયલા નમૂનાઓ પૈકી મૈત્રી ફુડ પ્રોડકટસ, વિરસદ ખાતેથી લીધેલ ચોરાફળીના નમૂના ખોટી બ્રાન્ડના (મીસબ્રાન્ડેડ) જાહેર થતા તેના જવાબદાર વ્યક્તિઓને રૂ. ૫ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે
જ્યારે પેટલાદના શાસ્ત્રી ગંજમાં આવેલ રાધે શ્યામ સેલ્સ ખાતેથી લીધેલ ઓરેન્જ ફ્લેવર ગ્લુકોવીટા બોલ્ટસનો નમૂનો ઉતરતી કક્ષાનો (સબસ્ટાન્ડર્ડ) જાહેર થતા જવાબદાર વ્યક્તિઓને રૂ. ૯૦ હજારનો તેમજ આણંદના યુટીલીટી કોમ્પલેક્ષમાં આવેલ ખેડા ડીસ્ટ્રીક્ટ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લી. ખાતેથી લીધેલ ઇલાયચી ફ્લેવરના અમુલ શ્રીખંડનો નમૂનો ઉતરતી કક્ષાનો (સબસ્ટાન્ડર્ડ) જાહેર થતા જવાબદાર વ્યક્તિઓને રૂ. ૧.૨૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું આણંદ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસર દ્વારા જણાવાયુ છે.
Other News : એક મહિના બાદ ફરી આણંદની શાંતિ-સલામતી ડહોળવાનો પ્રયાસ : આણંદ પોલીસને ફરી અસામાજીક તત્ત્વોની ચેલેન્જ !? જુઓ વિગત