કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના લેફ.ગવર્નર શ્રી મનોજ સિંહાએ પગપાળા યાત્રા કરી…
પૂ. મહાત્મા ગાંધીજી-સરદાર પટેલ સહિત સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાનને આજની યુવા પેઢીએ જાણવી જોઇએ : લેફ. ગવર્નર શ્રી મનોજ સિંહા
આણંદ : આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત તા.૧૨મી માર્ચના અમદાવાદ ખાતેથી પ્રારંભ થયેલી દાંડી યાત્રા આજે યાત્રાના આઠમા દિવસે બોરસદ ખાતેના સૂર્યમંદિર ખાતેથી વહેલી સવારના આહલાદકભર્યા વાતાવરણમાં તેના આગલા પડાવ રાસ થઇને કંકાપુરા જવા તરફ પ્રસ્થાન કર્યું હતું.
દાંડી યાત્રાના આજના આઠમા દિવસે વહેલી સવારના બોરસદના સૂર્ય મંદિર ખાતેથી દાંડી યાત્રિકો પ્રસ્થાન કરે તે પૂર્વે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના લેફ. ગવર્નર શ્રી મનોજ સિંહા બોરસદ ખાતેના સૂર્ય મંદિર ખાતે આવી પહોંચ્યા હતા જયાં જિલ્લા કલેકટર શ્રી આર. જી. ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી
શ્રી આશિષકુમાર અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમાર અને અગ્રણીઓએ તેઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યુ હતું.
લેફ. ગવર્નર શ્રી મનોજ સિંહાએ અહીં ઉપસ્થિત જનમેદનીનું અભિવાદન કર્યું હતું ત્યારે ભારત માતા કી જય, વંદે માતરમના જયઘોષ અને દેશભકિતના ગીતોની સૂરાવલીથી સૂર્ય મંદિર સંકુલ દેશભકિતના નાદથી ગુંજી ઉઠયું હતું.
આ પ્રસંગે લેફ. ગવર્નર શ્રી મનોજ સિંહાએ પૂ. મહાત્મા ગાંધીજી-સરદાર પટેલ સહિત સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાનને આજની યુવા પેઢીએ જાણવી જોઇએ તેમ જણાવી દેશના નાગરિકોને ગાંધી મૂલ્યોને જાળવી દેશના વિકાસમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
શ્રી મનોજ સિંહાએ આ દાંડી યાત્રામાં સામેલ થવાનું પોતાને સૌભાગ્ય મળ્યું હોવાનું જણાવી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થકી પુન: રાષ્ટ્રમાં રાષ્ટ્રભાવના જાગૃત કરી હોવાનું કહ્યું હતું.
શ્રી મનોજ સિંહાએ પૂ. મહાત્મા ગાંધીજીની ૧૯૩૦ની દાંડી યાત્રામાં જે ઉત્સાહ જોવા મળતો હતો તેવો જ ઉત્સાહ આજે જોવા મળી રહ્યો હોવાનું કહ્યું હતું.
જમ્મુ-કાશ્મીરના લેફ. ગવર્નર શ્રી મનોજ સિંહાએ બોરસદ ખાતેના સૂર્ય મંદિર ખાતેથી રાસ થઇને કંકાપુરા જવા પ્રસ્થાન થયેલ દાંડી યાત્રિકો સાથે પદયાત્રી તરીકે જોડાઇને પગપાળા યાત્રા કરી દાંડી યાત્રિકોને ઉત્સાહ વધાર્યો હતો. શ્રી મનોજ સિંહાની સાથે જિલ્લા કલેકટર શ્રી આર. જી. ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આશિષકુમાર, જિલ્લા પોલીસ વડા શ્રી અજિત રાજિયાન સહિત અગ્રણીઓ પણ જોડાયા હતા.
આ દાંડી યાત્રા દરમિયાન બેન્ડની દેશભકિતની સુરાવલીઓના કારણે સમગ્ર વાતાવરણ દેશભકિતના રંગે રંગાયું હતું.
શ્રી મનોજ સિંહાએ બોરસદ ખાતેની જે.ડી.હાઇસ્કૂલ ખાતે જયાં પૂ. મહાત્મા ગાંધીજીએ રાત્રિ રોકાણ કર્યું હતું ત્યાં ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ભાવસભર શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.
બોરસદ થી પ્રસ્થાન થયેલ દાંડી યાત્રાના માર્ગમાં આવતા ગામોમા અગ્રણીઓ અને ગ્રામજનો દ્વારા માર્ગની બંને બાજુએ ઉભા રહીને દાંડી યાત્રિકો ઉપર પુષ્પવર્ષા કરીને તેઓનું ભાવભર્યુ સ્વાગત કર્યુ હતું.
દાંડી યાત્રિકોને માર્ગમાં કોઇ તકલીફ ન પડે તે માટે દાંડી યાત્રિકો માટે માર્ગમાં ઠંડા પીણા, ઠંડા પાણી અને છાસની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.