સુરત : ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ બુલેટ ટ્રેન આગળ વધી રહ્યો છે ત્યારે આ માટે ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી છે જે મામલે પણ વિરોધ થઈ રહ્યો છે. ત્યારે દ. ગુજરાતના ખેડૂતો સરકાર સામે લડીને થાક્યા તો હવે જાપાન પહોંચ્યા છે આવો જાણીએ શું છે સમગ્ર મામલો? સુરતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતો કંપની વિરુદ્ધ ફરિયાદ કરશે. જાપાનની કંપની ઉપર દબાણ લાવવા ખેડૂતો કોર્ટમાં જશે. જાપાનની કોર્ટમાં કેસ તૈયારી કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જમીન અધિગ્રહણનું કાર્ય ૪૦% જ પૂરું થયું હોવાનું ખેડૂત સમાજ ગુજરાતનું કહેવું છે. ગુજરાત હાઈકોર્ટે ખેડૂતો દ્વારા જમીન સંપાદન મામલે કરવામાં આવેલી અરજીના સંદર્ભે આ ચુકાદો આપ્યો છે અને ખેડૂતોની તમામ પિટિશનો ફગાવી દીધી છે.
હાઈકોર્ટે ખેડૂતોની ૧૨૩ પિટિશનો ફગાવી દીધી છે. ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે ગુજરાત સરકારે જમીન સંપાદન અધિનિયમમાં જે ફેરફાર કરેલો છે એ કરવાનો એમને અધિકાર છે. ખેડૂતોનો વળતરનો મુદ્દો હાઈકોર્ટે હજી ખુલ્લો રાખ્યો છે પણ સરકારે ચૂકવેલ વળતરને યોગ્ય પણ ગણાવ્યું છે. હાઈકોર્ટે કહ્યું કે જો ખેડૂતોને હાલના વળતરથી સંતોષ ન હોય તો ભૂતકાળમાં રાજ્યમાં હાઈ-વે અને એક્સપ્રેસ હાઇ-વે નિર્માણમાં ખેડૂતોને ચૂકવવામાં આવેલા વળતરને આધારે તેઓ રજૂઆત કરી શકે છે.
પ્રોજેક્ટના સોશિયલ ઇમ્પેક્ટ ઍસેસમૅન્ટનો મુદ્દો પણ હાઈકોર્ટે ફગાવી દીધો. હાઈકોર્ટે કહ્યું કે એ થયું નથી પંરતુ ઝીકાની ગાઇડલાઇન મુજબ જે સરવે થયો છે તે વાજબી છે. ગુજરાત હાઈકોર્ટે જમીન સંપાદન મામલે ચુકાદા આપી પ્રોજેક્ટ આગળ વધારવા લીલી ઝંડી આપી છે. અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન સામે ગુજરાત સહિત મહારાષ્ટ્રના ખેડૂતો પણ વિરોધ કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે ૩૨૦ કિલોમિટરની સ્પીડે દોડનારી બુલેટ ટ્રેન માત્ર ત્રણ કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોંચી જશે. આ મામલે ૧,૦૦૦ ખેડૂતોએ એકસાથે મળીને હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટમાં અલગ અલગ ૧૨૩ પિટિશનો દાખલ થઈ હતી.