મુંબઇ : સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ એકવાર ફરી બોલિવૂડમાં ગ્રુપ્સ અને નેપોટિઝમની ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ વચ્ચે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ૨૦ વર્ષ પૂરા કરી ચૂકેલા અભિષેક બચ્ચને પોતાના અત્યાર સુધીના સફરનો વર્ષ વર્ષનો હિસાબ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેમાંથી એક પોસ્ટમાં તેણે જણાવ્યું કે પોતાની ડેબ્યૂ ફિલ્મ માટે તેને કેટલી સ્ટ્રગલ કરવી પડી હતી. અભિષેક બચ્ચને જણાવ્યું કે, તેણે ઘણા પ્રોડ્યુસર્સ અને ડાયરેક્ટર્સની ઓફિસના ચક્કર કાપ્યા પરંતુ કંઈ નહોતું થઈ રહ્યું.
અભિષેકે પોતાની એક પોસ્ટમાં જણાવ્યું, ઘણા લોકોને નહીં ખબર હોય કે ૧૯૯૮માં રાકેશ ઓમપ્રકાશ મહેરા અને હું સાથે ફિલ્મ કરિયર શરૂ કરવા ઈચ્છતા હતા. અમે લોકો સાથે મળીને એક ફિલ્મ બનાવવાના હતા, જેનું નામ ‘સમજૌતા એક્સપ્રેસ’ હતું. પરંતુ અમારા ઘણા પ્રયાસો છતાં કોઈ અમને લોન્ચ કરવા માટે તૈયાર નહોતું થયું. મને યાદ નથી કે હું કેટલા પ્રોડ્યુસર્સ અને ડાયરેક્ટર્સને મળ્યો અને મને એક તક આપવા માટે કેટલી રિક્વેસ્ટ કરી હતી. પરંતુ કશું ન થઈ શક્યું.
જોકે બાદમાં ‘સમજૌતા એક્સપ્રેસ’ તો ન બની પરંતુ અભિષેદનો લુક જેપી દત્તાને પસંદ આવી ગયો અને તેમણે તેની સાથે ‘રેફ્યુજી’ ફિલ્મ કરી. અભિષેકે કહ્યું, આ બાદ રાકેશએ મારા પિતા સાથે ફિલ્મ ‘અક્સ’ બનાવી અને આ વચ્ચે જેપી સાહેબે મને સમજૌતા એક્સપ્રેસ માટે રાખેલા લાંબા વાળી અને દાઢીમાં જોઈ લીધો. જેપી સાહેબ તે સમયે ‘આખરી મુગલ’ બનાવવા ઈચ્છતા હતા. જોકે તેમણે ‘આખરી મુગલ’ તો ક્યારેય ન બનાવી પરંતુ રેફ્યુજી બનાવી લીધી.