આંતરરાષ્ટ્રિય મહિલા દિવસની ગાંધીનગરમાં મહાત્મા મંદિર પરિસરમાં ઉજવણી…
વ્હાલી દિકરી યોજના અન્વયે રાજ્ય સરકારે LIC સાથે MoU કરીને ૨૨ કરોડનો ચેક LICને અર્પણ કર્યો…
ગાંધીનગર : આજે આંતરરાષ્ટ્રિય મહિલા દિવસની ગાંધીનગરમાં મહાત્મા મંદિર પરિસરમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી રૂપાણીએ આ ઉજવણી અંતર્ગત ગુજરાત સરકારની આગવી પહેલ રૂપે રાજ્યની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માનદ વેતનની ચુકવણી ડીબીટી મારફતે સીધા જ બેંક ખાતામાં ચુકવવાની પારદર્શી પદ્ધતિનો પ્રારંભ કરાવ્યો હતો. રૂપાણીએ રાજ્યની આંગણવાડી તેડાગર બહેનોને હવે, પગારના નાણાં સીધા જ બેંક ખાતામાં જમા થવાની ગુજરાતની પહેલને પારદર્શી વ્યવસ્થા, ફેઇસ લેસ સિસ્ટમ અને વચેટિયા નાબૂદીની દિશામાં વધુ એક નક્કર કદમ ગણાવી હતી. મુખ્યમંત્રીએ વ્હાલી દિકરી યોજના અંતર્ગત દિકરીના જન્મ બાદ તેના અભ્યાસની ચિંતા સરકારે કરીને પહેલા ધોરણમાં પ્રવેશ વેળાએ રૂ. ૪ હજારથી શરૂ કરીને ૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચશિક્ષણ-લગ્ન માટે કુલ મળીને ૧ લાખ રૂપિયા સરકાર વ્હાલી દિકરીઓને આપે છે તેનો ચિતાર આપ્યો હતો. રાજ્ય સરકારે આ હેતુસર એલ.આઇ.સી.ને ફંડ મેનેજર તરીકેની જવાબદારી સોંપીને એમઓયુ કર્યા છે.
આ વ્હાલી દિકરી યોજનાના અમલીકરણ અને સંચાલન એજન્સી તરીકે એલ.આઇ.સી. સાથે રાજ્ય સરકારના મહિલા બાળ વિકાસ વિભાગના થયેલા એમઓયુ અન્વયે ૨૨ કરોડ રૂપિયાનો ચેક એલ.આઇ.સી.ને અર્પણ કર્યો હતો. બહેનો પણ જાહેર જીવનમાં, વહિવટમાં સક્રિય બની શકે તે માટે વડાપ્રધાનના નેતૃત્વમાં સરકારે પંચાયતો-સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ૫૦ ટકા અને સરકારી નોકરીમાં ૩૩ ટકા આરક્ષણ આપી મહિલાશક્તિને યોગ્ય તક-અવસર સન્માન આપ્યા છે. રૂપાણીએ જણાવ્યું કે, રાજ્યની દિકરીઓ કૂપોષિત ન રહે, તેને અભ્યાસના યોગ્ય અવસર મળે તે માટે રાજ્ય સરકારે મહીલા સશક્તિકરણની અનેક પહેલ હાથ ધરી છે. વિધવા માતા-બહેનોને ઓશિયાળાપણું ન અનુભવવું પડે તે માટે ગંગાસ્વરૂપા જેવું સન્માનજનક નામ આપીને તેને મળતી સહાયમાં પણ વધારો કરી રૂ. ૧૨૫૦ની સહાય અપાય છે.
ગુજરાતમાં માતા-બહેનો-દિકરીઓની સલામતિ-સુરક્ષા માટે અભયમ ૧૮૧ હેલ્પલાઇન, કુમળી દિકરીઓ-બહેનો સાથે દુષ્કર્મના કિસ્સામાં આરોપીને સખત કેદ અને ફાંસી સુધીની સજા, ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા કેસોની સુનાવણી અને ચેઇન સ્નેચરોને પણ કડક હાથે ડામી દેવાની પ્રતિબદ્ધતા સાથે રાજ્ય સરકાર કાર્યરત છે. આ વર્ષના બજેટમાં જેન્ડર બજેટ અન્વયે મહિલા સશક્તિકરણની વિવિધ યોજનાઓ અને ૧૦૦ ટકા મહિલાલક્ષી યોજનાઓ માટે સમગ્રતયા બેય કેટેગરીમાં ગત વર્ષની તુલનાએ રૂ. ૮૬૯૨.૬૩ કરોડનો વધારો કરવામાં આવ્યો છે.