ઉત્તરાયણમાં ૫૦ લોકોને એક ધાબા એકઠા થવાની મંજૂરી મળશે નહીં…
ગાંધીનગર : અમદાવાદમાં રામદેવનગર સ્થિત સેવાભાવી સંસ્થા- સદવિચારમાં મોક્ષવાહિની રથનું લોકાર્પણ કરવા આવેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોના વેક્સિનેશન અને ઉત્તરાયણની ઉજવણી અંગે મહત્વપૂર્ણ વાતચીત કરી હતી.ઉત્તરાયણની ઉજવણી અંગે નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોનાને લઈને રાજ્ય સરકારે રાજ્યની ઓળખ સમાન પતંગ મહોત્સવ ન ઉજવવાનું નક્કી કર્યું છે, પણ તેમ છતાં નાગરિકો ઉત્તરાયણ ઉજવી શકે તે માટે જરુરી છૂટછાટ અંગે કોર ગ્રુપની બેઠકમાં ચર્ચા કરી યોગ્ય નિર્ણય લેવાશે. તેમજ પતંગ ચગાવવાને લઈને પણ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે. લોકો પોતાના ઘર કે ધાબા પરથી કેવી રીતે પતંગ ઉડાવી શકે અને કેટલા લોકો ભેગા થઈ શકે તેની જાહેરાત કરશે. ધાબાઓ પર કે પોળોમાં ૫૦ લોકો ભેગા થઈ પતંગ ઉડાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
પરિવારના ૫-૭ લોકો જ પોતાના મકાનની અગાસીએ પતંગ ઉડાવે તો વાંધો નહીં આવે. કોરોના સામેની વેક્સિન અંગે રાજ્ય સરકારના આરોગ્યતંત્રના આયોજનની રૂપરેખા આપતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું, કે ગુજરાતમાં ત્રણ તબક્કામાં રસીકરણની પ્રક્રિયા હાથ ધરાશે. પ્રથમ તબક્કામાં ફ્રંન્ટલાઈન વોરિયર્સ- મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ, બીજા તબક્કામાં આશા વર્કર અને પોલીસ જવાનો અને ત્રીજા તબક્કામાં સિનિયર સિટિઝન અને કો-મોર્બિડ(ડાયાબિટિસ,બ્લડપ્રેશર વગેરે)ની સ્થિતિ ધરાવતા દર્દીઓને રસી આપવા માટેનું આયોજન હાથ ધરાયું છે. કોરોના વોરિયર્સને વિના મૂલ્યે રસી અપાશે.
નાયબ મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, નાગરિકોની સલામતી એ ગુજરાત સરકારની પ્રાથમિકતા છે. તેનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, આજ દિન સુધી કોરોના સામેની લડતમાં રાજ્ય સરકારે રુપિયા ૧ હજાર કરોડથી વધુનો ખર્ચ કર્યો છે. ભારત સરકારે વેક્સિનેશન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે અને તમામ ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી રાજ્ય સરકાર રસીકરણનો આરંભ કરશે. નાયબ મુખ્યમંત્રીએ સદવિચાર પરિવારના સેવા-વારસાને ઉલ્લેખ કરતાં કહ્યું કે, આ સંસ્થામાં હરિભાઈ પંચાલ અને ડોંગરેજી મહારાજ જેવા સમાજસેવકોનું અમૂલ્ય યોગદાન રહેલું છે. તેમણે સદવિચાર પરિવાર દ્વારા હાથ ધરાઈ રહેલી સેવાકીય પ્રવૃત્તિના સંસ્મરણો પણ વાગોળ્યા હતા.