અમદાવાદ : કોરોનાના સંકટ વચ્ચે રાજ્ય સરકારે લૉકડાઉનનો આંશિક અંત લાવીને છૂટછાટ જાહેર કરી છે. જેના કારણે આજથી સોમવારથી ગુજરાતમાં ફરી એકવાર જનજીવન વેગવંતુ બનશે. છેલ્લાં બે મહિનાથી અમદાવાદનાં બંધ વિસ્તારોમાં પણ ચહલપહલ જોવા મળશે. અમદાવાદમાં ૧૧ વોર્ડમાં અગાઉ જાહેર કરાયેલા કન્ટેન્મેન્ટ ઝોન હટાવી લેવામાં આવ્યાં છે. તેની જગ્યાએ ૪૬ વિસ્તારો, પોળો, ચાલીઓ, વસાહતોમાં હવે માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યાં છે. હવે આ નાના નાના વિસ્તારોને કન્ટેન્મેન્ટ ઝોનનાં કડક નિયમોનું પાલન કરવાનું રહેશે. આ વિસ્તારોમાંથી આવ-જા થઈ શકશે નહીં. અંદર હોય તે જીવન જરૂરી ચીજવસ્તુઓની દુકાનો ખુલી શકાશે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, આ પહેલા મધ્ય ઝોનમાં અસારવા, જમાલપુર, દરિયાપુર, શાહપુર, ખાડિયા દક્ષિણ ઝોનમાં બહેરામપુરા, દાણીલીમડા, મણીનગર, પૂર્વ ઝોનમાં ગોમતીપુર, ઉત્તર ઝોનમાં સરસપુર અને પશ્ચિમ ઝોનમાં ગુલબાઈ ટેકરાની ઝુંપડપટ્ટી મળીને કુલ ૧૧ વિસ્તારો કન્ટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરાયા હતા. પરંતુ મધ્ય ઝોન અને દક્ષિણ ઝોનમાં કેસો ઘટતાં ત્યાંના રહીશોએ આ અંગે માગણી કરી હતી. માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનનાં લેવાયેલા નિર્ણયને કારણે ૧૬,૧૬૦ ઘરોમાં ૬૯, ૬૨૪ને ઘરમાં જ રહેવું પડશે.