વડોદરા : દારૂનો વેપલો કરતા બુટલેગરો અને ખેપીયાઓએ હવે દારૂની હેરાફેરી માટે કોવિડ સ્પેશિયલ ટ્રેનોનો ઉપયોગ શરૂ કરી દીધો છે. અમદાવાદ કોવિડ-૧૯ એસી ડબલ ડેકર સ્પેશિયલ ટ્રેનમાં સ્કૂલ બેગમાં વિદેશી દારૂ લઇને આવી રહેલા બુટલેગરને રેલવે ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો હતો. બુટલેગર સેલવાસ અને મુંબઇ ખાતેથી દારૂની બોટલો લાવીને છૂટક વેચાણ કરતો હતો. વડોદરા રેલવે ક્રાઇમ બ્રાંચમાંથી મળેલી માહિતી પ્રમાણે અમદાવાદ કોવિડ-૧૯ એસી ડબલ ડેકર સ્પેશિયલ ટ્રેનમાં દારૂ ભરેલી સ્કૂલ બેગ સાથે અમદાવાદના શખ્સને વડોદરા રેલવે લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કર્મીઓએ ઝડપી પાડ્યો છે.
બાતમીના આધારે ઝડપાયેલા બુટલેગર પાસેથી ૧૦ હજાર ઉપરાંતની કિંમતની ૨૦ બોટલો કબજે કરી હતી. પોલીસની તપાસમાં ખુલ્યું છે કે, બુટલેગર કોવિડ સ્પેશિયલ ટ્રેનમાં ચેકિંગ ઓછું હોવાથી કોવિડ સ્પેશિયલ ટ્રેનમાં દારૂ લાવતો હતો અને છૂટક વેચાણ કરતો હતો. વડોદરા પશ્ચિમ રેલવે લોકલ ક્રાઇમ બ્રાંચના જવાનો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં-૪ ઉપર અમદાવાદ કોવિડ-૧૯ એસી ડબલ ડેકર સ્પેશિયલ ટ્રેનમાંથી એક યુવક બે સ્કૂલ બેગ લઈ ઊતર્યો હતો. ક્રાઇમ બ્રાંચના જવાનોને શંકા જતા પોલીસે તેને રોકી સ્કૂલ બેગોની તપાસ કરી હતી. જેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની ૧૦,૧૮૫ રૂપિયાની કિંમતની કાચની ૧૩ બોટલો અને પ્લાસ્ટિકની ૭ બોટલો મળી આવી હતી.