વડોદરા : સીએએ અને એનઆરસીના સમર્થનમાં શનિવારથી મધ્ય ગુજરાત ક્વોરી એસોસિયેશન દ્વારા બંધનું એલાન હતું. જેને પગલે વડોદરા, પંચમહાલ અને ખેડા જિલ્લાની ૧૫૦થી વધુ ક્વોરીઓ બંધ રહી છે અને હજારો ડમ્પરોના પૈડા થંભી ગયા છે.
મધ્ય ગુજરાત ક્વોરી એસોસિયેશન દ્વારા પંચમહાલ, વડોદરા અને ખેડા જિલ્લાના તમામ ક્વોરી ઉદ્યોગ કેન્દ્ર સરકારના સીએએના કાયદાના સમર્થનમાં ૮ ફેબ્રુઆરી શનિવારે સવારે ૮ વાગ્યાથી ૧૦ ફેબ્રુઆરીને સવારે ૮ વાગ્યા સુધી ઉત્પાદન અને વેચાણ સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. જેને પગલે શનિવારે ક્વોરી ઉદ્યોગ સજ્જડ બંધ રહ્યો. મધ્ય ગુજરાત ક્વોરી એસોસિયેશનના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, ભારતીય નાગરિકતા આપવાના સીએએના કાયદાને અમે હ્રદયથી સમર્થન કરીએ છીએ. જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા એનપીઆર લાગુ કરવામાં આવેલ છે તેનો પણ દેશના વિકાસ માટે સમર્થન કરીએ છીએ. જેને પગલે અમે બંધ રાખીને સમર્થનમાં જોડાયા છીએ. અને બંધ દરમિયાન કામદારોને તેમનું પુરેપૂરું વેતન ચૂકવવામાં આવશે. ક્વોરી ઉધોગ બંધ કરીને મેસેજ આપવા માંગીએ છીએ કે, આ કાયદો માનવતાવાદી અને દેશની સંસ્કૃતિને આધારિત છે. માટે આ કાયદાનો વિરોધ કરવો તે ખરેખર સંવિધાનનો વિરોધ કરવા બરાબર છે.
ક્વોરી ઉદ્યોગના બંધને પગલે ઉદલપુરથી વડોદરા અને ઉદલપુરથી આણંદ રોડ ઉપર ફરતા હજારો ડમ્પરોના પૈડા થંભી ગયા છે. આ રોડ પર વધુ પડતા ક્વોરી પ્રોડક્ટ લઇને ડમ્પરોની અવરજવર રહે છે.