ગોડાઉનમાંથી ૪૦૦થી વધુ ડુપ્લીકેટ ખાતરની બોરીઓ ઝડપાઇ…
આણંદ : આંકલાવ તાલુકાના ભેટાસી ગામે બ્રાન્ડેડ કંપનીના રાસાયણિક ખાતરમાં ભેળસેળ કરી ડુપ્લીકેટ ખાતર બનાવતી ફેકટરી પર ગત રાત્રીના સુમારે આણંદની એસઓજી પોલીસે છાપો મારી ફેકટરીના ગોડાઉનમાંથી ૪૦૦થી વધુ ડુપ્લીકેટ ખાતર તેમજ મશીનરી અને કેમીકલના બેરલ સહિત દોઢ લાખનો મુદ્દામાલ કબ્જે કરી એક મહિલાની અટકાયત કરી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર આણંદની એસઓજી પોલીસને બાતમી મળી હતી કે ભેટાસી ગામે બ્રાન્ડેડ કંપનીના ખાતરમાં ભેળસેળ કરી ડુપ્લીકેટ ખાતર તૈયાર કરી ખેડુતોને વેચવામાં આવી રહ્યું છે. જે બાતમીના આધારે ગત રાત્રીના સુમારે એસઓજી પીઆઈ વી. કે. ગઢવી સહિત પોલીસ સ્ટાફે છાપો મારતા ડુપ્લીકેટ ખાતર બનાવવાની ફેકટરીમાંથી બ્રાન્ડેડ કંપનીના ખાતરમાં કેમીકલ સહિત અન્ય વસ્તુઓની ભેળસેળ કરી બનાવેલી ડુપ્લીકેટ ખાતરની ૪૦૦થી વધુ થેલીઓ મળી આવી હતી. જેને લઈને એસઓજી પોલીસ ચોંકી ઉઠી હતી. તેમજ ફેકટરીના ગોડાઉનમાંથી જુદા જુદા કેમીકલના નાના મોટા બેરલો મળી આવ્યા હતા તેમજ બ્રાન્ડેડ કંપનીની ખાતરની પ્રિન્ટ કરેલી ખાલી થેલીઓ તેમજ કેટલીક બ્રાન્ડેડ કંપનીના ખાતરની ભરેલી થેલીઓ પણ મળી આવી હતી.