આણંદ : વિદ્યાનગર રોડ પરની હોટલમાંથી રૂપિયા ૫૦ લાખની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયેલા આર.આર.સેલના એએસઆઈ પ્રકાશસિંહ રાઓલના ચાર દિવસના રિમાન્ડ પૂરા થતાં મંગળવારે બપોરે ત્રણે વાગ્યે આણંદ પુનઃ તેને કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જ્યાં કોર્ટે આરોપીના વધુ ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જોકે, પોલીસની ચાર દિવસની પૂછપરછ દરમિયાન, આણંદ-વિદ્યાનગરમાં તેની બે હોટલ સહિત, અમદાવાદના બોપલમાં ફ્લેટ અને જયપુરમાં પણ મિલકત હોવાનો ઘટસ્ફોટ થયો છે.
જેને પગલે જયપુર સહિત વિદ્યાનગર-અમદાવાદમાં આવેલી સંપત્તિ કોના નામે છે તેની તપાસ પોલીસ દ્વારા આગામી સમયમાં હાથ ધરાશે. આણંદ જિલ્લા કોર્ટના સરકારી વકીલ અશ્વિનભાઈ જાડેજાએ દલીલ કરતાં જણાવ્યું હતું કે, એએસઆઈ પ્રકાશસિંહના મોબાઈલની સીડીઆર ડિટેઈલ્સ ઉપરાંતની તપાસ હાથ ધરવાની બાકી છે. તે આણંદ ઉપરાંત અમદાવાદ તેમજ જયપુરમાં પણ મિલ્કતો ધરાવે છે. મિલકત કોના નામે છે તે તપાસનો વિષય છે. આ ઉપરાંત તે લક્ઝુરીયસ કાર પણ ધરાવે છે. કારનું ફંડીગ કેવી રીતે અને કોણે કર્યું હતું.
આ સિવાય, તેના મોટાભાગના ટ્રાન્ઝેક્શન ભારતીય ચલણ ઉપરાંત વિદેશી ચલણ, ખાસ તો ડોલરોમાં થયાનું પણ પ્રકાશમાં આવ્યું છે. જોકે, તેમનો પુત્ર શિકાગોમાં અભ્યાસ કરતો હોઇ ટ્રાન્ઝેક્શન થયાનું આરોપી પક્ષના વકીલ જણાવે છે. પરંતુ ખરેખર એ ટ્રાન્ઝેક્શન એના જ છે કે કેમ તે બાબત પણ હાલ તપાસનો વિષય છે. આમ, આ સમગ્ર બાબતની તપાસ બાકી હોઇ કોર્ટે વધુ ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.