ખેડા : ગુજરાતમાં તાજેતરમાં જ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા જિલ્લાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. આ પછી જિલ્લામાં સ્થાનિક હોદ્દેદારોની નિમણૂક પણ કરવામાં આવી હતી. ત્યારે આ નિમણૂક પછી ખેડા જિલ્લા ભાજપમાં અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો છે.
ખેડા શહેર ભાજપ બાદ કઠલાલ તાલુકા ભાજપના કાર્યકરોએ રાજીનામા આપી દેતા ખળભળાટ મચી ગયો છે. ૧૨ હોદ્દેદારો સહિત ૪૦થી વધુ કાર્યકરો, પૂર્વ મહામંત્રી, તાલુકા ઉપપ્રમુખ, શક્તિ કેન્દ્ર ના પ્રમુખો, જિલ્લાના કન્વીનર, યુવા મોરચાના સભ્યોએ એક સાથે રાજીનામા આપી દીધા છે. કઠલાલ તાલુકાના નવા પ્રમુખ અને મહામંત્રીના વિરોધમાં તમામે રાજીનામા ધરી દીધા છે. હજુ બે દિવસ પહેલા ખેડા શહેર ભાજપના ૭૦થી વધુ કાર્યકરોએ રાજીનામાં આપી દીધા હતા.