વડોદરા : અમેરિકામાં વૈશ્વિક બિમારી કોરોનાએ ભારે ખુમારી મચાવી છે. અમેરિકામાં કોરોનાની ઝપેટમાં અનેક ભારતીયો અને ગુજરાતીઓ સપડાયા છે અને ઘણા મોટા લોકોએ આ બિમારી સામે નતમસ્તક બનીને પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે આજે વડોદરાની એમએસ યુનિવર્સિટીમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. વડોદરાની જાણીતી એમ.એસ. યુનિવર્સિટીના પૂર્વ અધ્યાપકનું કોરોનાથી અમેરિકામાં મોત થયું હોવાના સમાચાર મળી રહ્યા છે.
અમેરિકામાં પણ કોરોનાએ ભારે હાહાકાર મચાવ્યો છે, તેમજ કોરોનાથી અમેરિકામાં હજારોના મોત થયા છે. જેમાં અનેક એનઆરઆઇ અને એનઆરજીનો પણ સમાવેશ થાય છે. ત્યારે વડોદરાના વતની અને એમ.એસ. યુનિવર્સિટીના પૂર્વ અધ્યાપક શરદભાઈ પટેલનું કોરોનાથી મોત થયું હોવાના સામાચાર સામે આવ્યા છે. એટલું જ નહીં, તેમનો દીકરો અને પુત્રવધૂ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમેરિકાના ન્યુજર્સીમાં રહેતા ૮૦ વર્ષીય શરદ પટેલને કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. અને ૩૦ દિવસ સુધી વેન્ટિલેટર પર રહ્યા બાદ તેમને કોરોના સામે જંગ હારી ગયા હતા. બીજા મહત્વપૂર્ણ સમાચાર એવા મળી રહ્યા છે કે, મૃતક શરદભાઈના પુત્ર અને પુત્રવધૂને પણ કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રવિવારની સાંજે અત્યાર સુધીના ૨૪ કલાકમાં સૌથી વધુ ૩૭૪ ચેપગ્રસ્ત મળ્યાનું જાહેર થતા ગુજરાતમાં કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા ૫,૪૨૮એ પહોંચી છે. જેમ ચેપ્રગસ્તો મળી રહ્યા છે એમ એક જ દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ૧૪૬ દર્દીઓ સારવાર લઈને સાજા થઈને ઘરે જતા ગુજરાતમાં કુલ ડિસ્ચાર્જ કેસોની સંખ્યા પણ વધીને ૧૦૪૨ થઈ છે.