- અનલોક-2માં ખેડા જીલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ સ્થિત સ્વામિનારાયણ મંદિર ભાવિક ભક્તો માટે બુધવારથી ખુલ્લું મુકવામાં આવ્યું છે…
- જોકે વડતાલ સ્વામિનારાયણ મંદિર ટેમ્પલ કમિટી દ્વારા કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે…
વડતાલ : કોરોનાની વેશ્વિક મહામારીના કારણે સરકારના આદેશ અનુસાર દેશના તમામ મંદિરો દર્શનાર્થે બંધ કરવામાં આવ્યા હતા. જોકે અનલોક-1માં રાજ્યના કેટલાક મંદિર 8 જૂનથી ખુલ્લા મુકવામાં આવ્યા હતા, ત્યારે અનલોક-2માં ખેડા જીલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ સ્થિત સ્વામિનારાયણ મંદિર ભાવિક ભક્તો માટે બુધવારથી ખુલ્લું મુકવામાં આવ્યું છે.
સ્વામિનારાયણ ધર્મના સર્વોચ્ચ તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિર, કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે ગત 22મી માર્ચથી ભાવિક ભક્તો માટે બંધ કરવામાં આવ્યું હતું. જેને બુધવારના રોજ 101 દિવસ બાદ ફરીથી ભાવિક ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. જોકે વડતાલ સ્વામિનારાયણ મંદિર ટેમ્પલ કમિટી દ્વારા કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં જો કોઈ પણ ભાવિક ભક્ત દર્શન કરવા ઈચ્છતો હોય તો તેને પહેલા મંદિરની વેબસાઈટ પર ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લેવી ફરજીયાત છે. સાથે સાથે મંદિરમાં પ્રવેશ સમયે મંદિરની સૂચનાનું પણ ફરજિયાત પાલન કરવું પડશે.
મહત્વની વાત તો એ છે કે, કોરોનાના કહેરના કારણે મંદિર પ્રશાસન દ્વારા મંદિર ખાતે સેનેટાઈઝ ટનલ મુકવામાં આવી છે. જેમાં ભક્તોને દર્શન કરવા માટે એકબીજાથી અંતર રાખવું જરૂરી છે. ઉપરાંત ભોજન પ્રસાદની વ્યવસ્થા બંધ રાખવામાં આવી છે. તો સાથે જ ધર્મશાળા પણ હજી ખોલવામાં આવી નથી. રાત્રી રોકાણ પર પ્રતિબંધ હોવાથી ભાવિક ભક્તોએ માત્ર દર્શન પુરતું જ મંદિરમાં આવવાની વિનંતી મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવી છે.