-
જિલ્લાના યુવાનો સહિત દરેક નાગરિક રસીકરણ મહાઅભિયાનમાં જોડાય અને રસી મૂકાવી અન્યો માટે પ્રેરણા રૂપ બને તેવી અપીલ કરતાં સાંસદ મિતેષભાઇ પટેલ
-
આવો આપણે સૌ રાજય સરકારના કોરોના મુકત ગુજરાત મહાઅભિયાનમાં જોડાઇ ગામ-નગર-શહેર-જિલ્લો-રાજય અને રાષ્ટ્રને કોરોના મુકત બનાવીએ મિતેષભાઇ પટેલ
આણંદ : બધાને વેકિસન – મફત વેકિસનના લોકલક્ષી અભિગમ હેઠળ આજે વિશ્વ યોગ દિવસે રાજયવ્યાપી શરૂ થયેલ કોરોના રસીકરણ મહાઅભિયાનના ભાગરૂપે આજે સાંસદ શ્રી મિતેષભાઇ પટેલે આણંદની નલિની આર્ટસ કોલેજ ખાતે ઉપસ્થિત રહીને કોરોના રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા વિશ્વ યોગ દિવસથી બધાને વેકિસન-મફત વેકિસન અભિયાન અંતર્ગત રાજયના મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળ પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે સાંસદ શ્રી મિતેષભાઇ પટેલે આણંદની નલિની આર્ટસ કોલેજ ખાતે યોજાયેલ રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ કરાવતાં આજે એનસીસીની ૪૦૦થી વધુ કેડેટસો સહિત જિલ્લાના ૧૫૭ કેન્દ્રો ખાતે આજે ૨૦ હજારથી વધુ યુવાઓ સહિત નાગરિકોનું રસીકરણ કરવામાં આવશે તેમ જણાવી આ રીતે રોજ આ અભિયાન ચાલવાનું છે ત્યારે જિલ્લાના યુવાનો સહિત દરેક નાગરિકે આ રસીકરણ મહાઅભિયાનમાં જોડાય અને રસી મૂકાવી અન્યો માટે પ્રેરણારૂપ બનવાની સાથે અન્ય લોકો પણ આ અભિયાનમાં જોડાઇને રસી મૂકાવે તેમાં સહયોગ આપી સરકારના આ મહાઅભિયાનમાં સહભાગી થવા અપીલ કરી હતી. રાજય સરકારે હવે યુવાનો અને નાગરિકો માટે હવે ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન કરાવીને રસી મૂકાવી શકાશે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ત્યારે આવો આપણે સૌ ગામ-નગર-શહેર-જિલ્લો-રાજય અને રાષ્ટ્રને કોરોના મુકત કરવાના રાજય સરકારના કોરોના મુકત ગુજરાત મહાઅભિયાનમાં સહભાગી થઇને ગામ-નગર-શહેર-જિલ્લો-રાજય અને રાષ્ટ્રને કોરોના મુકત બનાવવા જિલ્લાના નાગરિકોને અપીલ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી આર.જી.ગોહિલે કોઈપણ પ્રકારના રજિસ્ટ્રેશન વગર માત્ર આધાર કાર્ડ અને મોબાઈલ નંબરના આધારે વિનામૂલ્યે રસીકરણ કરવામાં આવનાર હોઇ જિલ્લાના નાગરિકોને રસી મૂકાવી દઇને કોરોનાથી બચવા અને સંક્રમણને નાણવા માટે આ રસી રામબાણ ઈલાજ સમાન છે તેટલું જ નહીં પણ માનવ જીવન માટે સંજીવની સહિત અમોધ અને બ્રહ્માસ્ત્ર સમાન હોવાનું જણાવી જયારે તંત્ર રાત-દિવસ રસીકરણ માટે કાર્યરત છે ત્યારે હું પોતે સંક્રમિત નહીં થઉં અને બીજાને પણ નહીં થવા દઉં તેવા મંત્ર સાથે અભિયાનને સફળ બનાવવા ચરોતરવાસીઓને હાર્દિક અપીલ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આશિષકુમાર, ચારૂતર વિદ્યા મંડળના મંત્રી શ્રી આર. સી. તલાટી, નલિની આર્ટસ કોલેજના આચાર્યશ્રી, પ્રાધ્યાપકો અને એનસીસીની કેડેટસ યુવક – યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સાંસદ શ્રી મિતેષભાઇ પટેલે રસીકરણની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી રસી મૂકાવી રહેલ એન.સી.સી.ના યુવક-યુવતીઓને પ્રોત્સાહિત કર્યા હતા. જયારે રસી મૂકાવ્યા બાદ યુવક-યુવતીઓ સેલ્ફી પોઇન્ટ પર પોતાની સેલ્ફી લઇ રહ્યા હતા.