આણંદ : હાલમાં કોરોના કેસ ઘટતાં રાજ્ય સરકારની ગાઈડ લાઈન મુજબ ૧૭મી રથયાત્રા યોજવાની તૈયારી હવે પૂર્ણ થઈ ગઈ છે.
વિદ્યાનગર ઈસ્કોન મંદિર દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી પોલીસ બંદોબસ્ત મળવાને પગલે અષાઢી બીજે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે, રૂટમાં બે વાર ફેરફાર કરાયો છે.
વહીવટી તંત્રની સૂચના મુજબ કોરોનાના પગલે ટાઉન હોલથી ઈસ્કોન મંદિરનો ૨.૫ કિ.મીનો રૂટ નક્કી કરવામાં આવ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર ઈસ્કોન મંદિર દ્વારા સૌ પ્રથમ બેઠક મંદિરના બદલે ટાઉન હોલથી રથયાત્રા કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
પરંતુ આ વર્ષે નગરજનો દર્શન કરી શકે તે માટે નવો રૂટ ટાઉન પોલીસ સ્ટેશનથી ગંજ અને લોટીયાભાગોળનો રૂટ નક્કી કરાયો હતો.પરંતુ શુક્રવારે આણંદ પ્રાંત અધિકારી જીજ્ઞાબેન દલાલની ઉપસ્થિતિમાં રથયાત્રાનો સમય અને રૂટ નક્કી કરવા માટે બેઠક મળી હતી. જેમાં વહીવટી તંત્રની સૂચના મુજબ કોરોનાના પગલે ટાઉન હોલથી ઈસ્કોન મંદિરનો ૨.૫ કિ.મીનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે. વધુમાં દર વર્ષે બેઠક મંદિરથી બપોરે અઢી કલાકે ૧૦ કિમીના રૂટ પર રથયાત્રા નીકળતી હતી. જેમાં ફેરફાર કરીને આગામી અષાઢી બીજે ટાઉન હોલથી ૪.૧૫ કલાકે રથયાત્રાનો પ્રારંભ થશે. જે સાંજે ૭ કલાકે સંપન્ન કરી દેવાશે.
જેને કારણે શહેરીજનો ભગવાનની નગરચર્યા નિહાળી શકશે નહીં. આણંદ પ્રાંત ઓફિસ ખાતે રથયાત્રા યોજવા બાબતે મીટીંગ યોજાઈ હતી.
જેમાં કોરોનાની ગાઈડલાઈન સાથે રથયાત્રા માટે મંજૂરી આપવામાં આવી હતી. જેમાં ટૂંકામાં ટૂંકો માર્ગ નક્કી કરવાનું નક્કી કરાયું હતું.
આ ઉપરાંત, રથયાત્રામાં સામેલ રથ અને વાહન વચ્ચે યોગ્ય અંતર જળવાવું જોઈએ, માસ્ક પહેરવા, પ્રસાદનું વિતરણ ન કરવા તેમજ સામાજિક અંતર જળવાઈ રહે તેમજ 60થી વધુ લોકો ન જોડાય તે માર્ગદર્શીકાનું ખાસ પાલન કરવા જણાવ્યું છે.રથ ખેંચવા માટે મંદિરોના સેવકોની યાદી તૈયારી કરી દેવામાં આવી છે. શનિવારે ઈસ્કોન મંદિરમાં મેડિકલ ટીમો થકી આરટીપીસીઆર ટેસ્ટ કરાશે. આ ઉપરાંત, જે લોકોએ બંને ડોઝ લીધા હશે તેમને જ રથ ખેંચવાની મંજૂરી આપવામાં આવશે. તમામના ટેસ્ટના રિપોર્ટ તૈયાર રાખવામાં આવશે.
રથયાત્રા શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે એક ડીવાયએસપી, ચાર પી.આઈ., 12, પીએસઆઈ સહિત કોન્સ્ટેબલ અને હોમગાર્ડ સહિતનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાશે.