આણંદ : કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી આગામી તહેવારો ઘર માંજ રહી ઉજવણી કરવા અને સ્વસ્થ રહેવા કલેક્ટર શ્રી આર.જી. ગોહિલે જાહેર જનતાને અનુરોધ કર્યો છે.
રાજ્ય સરકારે લીધેલા નિર્ણય મુજબ હવે આગામી તમામ તહેવારો પોતાના ઘરમાંજ રહી ઉજવવા અને જાહેરમાં એકત્ર થવું નહી તે આપણાં સૌના હિતમાં છે.
કલેક્ટર શ્રી આર.જી. ગોહિલે જણાવ્યું કે કોરોના વાઈરસનો છેલ્લા ઘણા મહિનાઓથી આપણે સામનો કરી રહ્યા છીએ અને તે માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ જાહેરનામાં બહાર પાડીને ધાર્મિક તહેવારોની ઉજવણી અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે ત્યારે આગામી ધાર્મિક તહેવાર ગણેશ ઉત્સવ અને મહોર્રમની ઉજવણી અંગે પણ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.
કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું કે, ગણેશ ઉત્સવ અને મહોર્રમના ઉત્સવ દરમિયાન નાગરીકોએ જાહેર સ્થળો પર સભા સરઘસ, વિસર્જન કે કોઈ પણ પ્રકારનાં આયોજનની ઉજવણી અને ઝૂલુસ કે સરઘસ પણ નિકાળી શકાશે નહીં પરંતુ આ તહેવારની ઉજવણી નાગરીકોએ પોતાના ઘરે જ રહીને કરવાની રહેશે. જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે તહેવારની ઉજવણી ઘરમાંજ કરીને તંત્રને પુરો સહયોગ આપી કોરોનાને જિલ્લામાંથી દૂર કરવામાં પૂરતો સહયોગ આપીએ.