મુંબઇ : ભારતમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન કરવામાં આવ્યું છે. દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક ૨૧ હજાર સુધી પહોંચી ગયો છે. ગુજરાતમાં પણ આજે વધુ એક દર્દીએ કોરોનાના કારણે દમ તોડ્યો છે. ત્યારે ૨૧ દિવસના લોકડાઉનમાં હજી પણ કેટલાક લોકો અકારણે બહાર નીકળી રહ્યા છે. જે અંગે બોલિવૂડના જાણીતા ગાયક સોનુ નિગમે મોટું નિવેદન આપ્યું છે.
સોનુ નિગમે ગુસ્સામાં લોકોને આ ગંભીર સમસ્યાને હળવાશમાં ન લેવાનું સૂચન કર્યું છે. સાથે જ ભવિષ્યમાં આવનારી પરેશાનીઓથી લોકો અજાણ છે તેમ જણાવ્યું છે. લોકડાઉનના સમયે કારણે બહાર ફરતા લોકો માટે સોનુ નિગમે કડક શબ્દોમાં પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. સાથે જ તેમણે જનતા કર્ફ્યૂ દરમિયાન ભીડ કરનાર લોકો પર ભડકતા કહ્યું છે કે આ બધા લાતોના ભૂત છે વાતોથી નહીં માને. સાથે જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું ભારતમાં કઠોર નિર્ણય લેવા જરૂરી છે કારણ કે લોકો આ ગંભીર સમસ્યાને સમજી નથી રહ્યા.
ઉલ્લેખનીય છે કે હાલ સોનુ નિગમ દુબાઇમાં છે. તે અહીં કોરોના વાયરસના કારણે આઉટબ્રેકના કારણે ફસાયેલા છે. જો કે તેમની જેમ જ અનેક સેલેબ્રિટી છે જે હાલ વિદેશમાં ફસાયેલા છે.