આજની યુવા પેઢીએ સરદાર સાહેબના જીવનમાંથી પ્રેરણા લેવી પડશે – શ્રી જગદીશભાઇ વિશ્વકર્મા
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે કચ્છના લખપતથી શરૂ થયેલ બાઇક રેલી આણંદ જિલ્લાના જોળ ખાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયુ
કચ્છના લખપતથી શરૂ થયેલ બાઇક રેલી રાષ્ટ્રીય એકતાનો સંદેશો પૂરો પાડી રહી છે
આણંદ : રાજયના સહકાર, કુટિર ઉદ્યોગ, ઉદ્યોગ, વન અને પર્યાવરણ રાજય મંત્રી શ્રી જગદીશભાઇ વિશ્વકર્મા(પંચાલ)એ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે કચ્છના લખપતથી ગુજરાત પોલીસની શરૂ થયેલ બાઇક રેલી આજે બપોરે આણંદ જિલ્લાના જોળ ગામે આવી પહોંચતા તેનું સ્વાગત કરી લીલી ઝંડી બતાવી કરમસદ ખાતેના સરદાર વલ્લભભાઇ પટેલના ગૃહ ખાતે જવા પ્રસ્થાન કરાવી હતી.
આ બાઇક રેલીમાં ૨૫ બાઇક સવાર સાથે કુલ ૭૫ પોલીસ કર્મીઓ જોડાયા હતા. આ રેલીનું સહકાર રાજય મંત્રી શ્રી જગદીશભાઇ
વિશ્વકર્મા, સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ, જિલ્લા કલેકટર શ્રી મનોજ દક્ષિણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી. જી. પ્રજાપતિ, પોલીસ અધિક્ષક શ્રી અજીત રાજયાન, પૂર્વ સાંસદ શ્રી દિલીપભાઇ પટેલ, અગ્રણી શ્રી મહેશભાઇ પટેલ, ગામના અગ્રણીઓ, ગ્રામજનો અને પોલીસ કર્મચારીઓ દ્વારા પુષ્પવર્ષા કરીને બાઇક સવારોનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
ત્યારબાદ આ બાઇક રેલી જોળ ગામેથી કરમસદ ખાતેના સરદાર પટેલના ગૃહ ખાતે જવા પ્રસ્થાન કર્યુ હતું. સહકાર રાજય મંત્રી શ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ કરમસદ ખાતેના સરદાર પટેલ હાઉસ ખાતે પહોંચીને સરદાર સાહેબની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી ભાવાંજલિ અર્પી સરદાર ગૃહની મુલાકાત લઇ રસપૂર્વક નિરીક્ષણ કર્યુ હતું. મંત્રીશ્રીની સાથે બાઇક રેલીમાં જોડાયેલા બાઇક સવાર પોલીસ કર્મીઓએ પણ સરદાર ગૃહની મુલાકાત લઇને ધન્યતા અનુભવી હતી.
કરમસદ ખાતેના સરદાર ગૃહની મુલાકાત લીધા બાદ બાઇક રેલી કરમસદ ખાતેના સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે આવી પહોંચી હતી. જયાં બાઇક રેલી સવારોનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
Other News : રાષ્ટ્રએ ૧૦૦ કરોડ રસીકરણની સિધ્ધિ હાંસલ કરતાં આણંદ સિવિલ હોસ્પિટલ ખાતે ઉજવણી કરવામાં આવી