૨૨મી માર્ચ પછી ઘરમાં પૂરાયેલા લોકો છુટ મળતાની સાથે જ બહાર ઉમટ્યા…
થોડી છુટછાટ મળતાં આણંદના બજારોમાં દુકાનો ખુલી, ભારે ભીડ સાથે સોશ્યલ ડીસ્ટન્સનો અભાવ…
આણંદ : આણંદ સહિત ચરોતરમાં ત્રણ લોકડાઉનના ૫૪ દિવસ બાદ આજથી ફરી એક વખત ક્નટેનમેન્ટ ઝોનને બાદ કરતાં અન્ય વિસ્તારોમાં જનજીવન ધબકતું થયું છે. બજારો ખુલી જતાં વેપારીઓના જીવને ટાઢક થઇ છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ પ્રજાની લાગણી અને વેપારીઓની માગણીને ધ્યાને લઇ મોટા ભાગે નોન ક્નટેનમેન્ટ ઝોનમાં વ્યાપક છૂટછાટ આપતાં આમ પ્રજાજનો ખુશ થઇ ગયા છે.
આણંદ શહેરમાં સોમવાર સવારે લોકડાઉન ૪ માં સરકારે જાહેર કરેલી કેટલીક છુટ્ટીઓને અનુસાર સુપરમાર્કેટ, જુના બસ સ્ટેન્ડ, સ્ટેશન રોડ, મેફેર રોડ, લક્ષ્મી ચાર રસ્તા સહિત ગુજરાતી ચોક વગેરે વિસ્તારોમાં તમામ પ્રકારની દુકાનો ખોલી નાંખવામાં આવી હતી અને લોકો પણ જાણે કોરોના સંક્રમણથી ગભરાતા ન હોય તેમ ખુલ્લેઆમ બજારમાં લટાર મારવા કે ખરીદી માટે ઉમટી પડ્યા હતા. લોકો તેમજ વેપારીઓને સૌથી મોટી રાહત પોલીસની પાસના મુદે આજે કોઇ કનડગત થઇ ન હોય ભારે રાહત થઇ છે.
સાથોસાથ જે નિયમો અમલી કરવામાં આવ્યા છે તેનું ચુસ્તપણે પાલન કરાવવા માટે પોલીસને આદેશ કરવામાં આવ્યા છે. સવારના ૮ થી ૪ વાગ્યા સુધી બજારો ખુલી રાખવાના નિર્ણયને વેપારીઓને આવકાર આપ્યો છે.
- Jignesh Patel, Anand