Charotar Sandesh
ગુજરાત

અમેરિકાના વીઝા અપાવવાના બહાને પટેલ પરિવાર સાથે એજન્ટે ૮.૫૦ લાખની છેતરપિંડી આચરી…

અમદાવાદ : શહેરના ન્યૂ રાણીપમાં રહેતા અને મેટલનો વ્યવસાય કરતા એક વેપારીના પરિવારને અમેરિકાના વીઝા અપાવવાનું કહીને એજન્ટે રૂ. ૮.૫૦ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સાબરમતી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
ઘટનાની વિગતો મુજબ, નરોડામાં મેટલનો વ્યવસાય કરતા બળદેવ પટેલ (ઉંમર ૪૨ વર્ષ) તેમના પત્ની રશ્મિકાબેન તથા બે દીકરા ઋષિક અને યશ સાથે ન્યૂ રાણીપમાં રહે છે. દોઢ વર્ષ પહેલા તેમણે અમેરિકા જવાનું હોવાથી માણસામાં રહેતા પોતાના મિત્ર અરવિંદભાઈને જણાવ્યું હતું. અરવિંદભાઈએ પોતાના વીઝા કરાવી આપનારા અને હાલમાં મુંબઈના નાલાસોપારામાં રહેતા મૂળ કલોલના પલિયડ ગામના એજન્ટ દિનેશ નાઈનું નામ આપ્યું હતું. દિનેશ સાથે વાત થયા બાદ ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ પોતાના ભત્રીજા સાથે બળદેવભાઈને મળવા આવ્યો હતો. વાતચીતના અંતે ૪૫ લાખમાં વીઝા અપાવવાનું નક્કી થયું. જેમાં વીઝો પ્રોસેસ શરૂ થાય ત્યારે ૧૧ લાખ તથા અમેરિકા પહોંચીને ૩૪ લાખ આપવા કહેવાયું.
બળદેવભાઈએ પોતાના પત્ની તથા દીકરાના પાસપોર્ટ દિનેશને આપી દીધી અને તે જ સાંજે આંગડીયા બાદ ૩ લાખ મુંબઈ મોકલી આપ્યા. ૬ ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં બળદેવભાઈએ ટુકડે-ટુકડે કરીને ૧૧ લાખ આપ્યા છતાં તેમને અમેરિકા ન મોકલાતા તેમણે પોતાના પૈસા પાછા માગ્યા હતા. જેથી દિનેશે આંગડીયા દ્વારા પાસપોર્ટ પાછા આપ્યા અને ૨.૫૦ લાખ બેંક ટ્રાન્સફર કરી આપ્યા. પરંતુ બાકીના ૮.૫૦ લાખ પરત ન મળતા બળદેવભાઈએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં દિનેશ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

Related posts

શિવરંજની હિટ એન્ડ રન કેસઃ પર્વ શાહ જેલમાં, માનવ વધનો ગુનો દાખલ…

Charotar Sandesh

ગુજરાતનાં બે બાળકો જીત્યા રાષ્ટ્રીય બાળ પુરસ્કાર, વડાપ્રધાને પાઠવી શુભકામના…

Charotar Sandesh

રાજ્ય મહિલા મંત્રી વિભાવરીબેન દવે થયા કોરોના સંક્રમિત…

Charotar Sandesh