લીંક કરવા માટેની અંતિમ તારીખ ૩૧ માર્ચ ૨૦૨૦ સુધી લંબાવાઇ…
ન્યુ દિલ્હી : પાનને આધાર સાથે લીંક કરવાનુ ફરજીયાત છે. આના માટે આવકવેરા વિભાગ દ્વારા વારંવાર પાન-આધાર લીંક કરવાની મુદ્દત વધાર્યા પછી પણ ૧૭ કરોડથી વધારે લોકો એવા છે જેમણે હજુ સુધી પાન-આધાર લીંક નથી કરાવ્યા. આવા લોકોના પાન કાર્ડ હવે રદ થઇ શકે છે.
લોકસભામાં નાણા રાજ્ય પ્રધાન અનુરાગસિંહ ઠાકુરે માહિતી આપી કે જાન્યુઆરી સુધીમાં ૩૦.૭૫ કરોડ પાન કાર્ડને આધાર સાથે લીંક કરી ચુકાયા છે,જ્યારે ૧૭.૫૮ કરોડ લોકોએ હજુ પાન-આધાર લીંક નથી કર્યા. તેમણે કહ્યુ કે મુદ્દત વધાર્યા પછી જેમણે હજુ સુધી પાન-આધાર લીંક નથી કર્યા તેમણે સુવિધા થશે. આવકવેરા વિભાગ અનુસાર, હવે રીટર્ન ફાઇલ કરવા માટે આ બંન્નેમાંથી કોઇ એક નંબરનો ઉપયોગ કરી શકાય છે. પણ તેના માટે પાન-આધાર લીંક હોવા જરૂરી છે.
નાણા ખરડા ૨૦૧૯માં સુધારા પછી હવે આવકવેરા વિભાગને અધિકાર મળી ગયો છે કે મુદ્દત પુરી થવા સુધીમાં જો કોઇ પોતાના પાન અને આધારને લીંક ન કરાવે તો તેનુ પાનકાર્ડ રદ કરી દેવાશે. આના માટેની છેલ્લી તારીખ ૩૧ ડીસેમ્બર ૨૦૧૯ હતી જે વધારીને ૩૧ માર્ચ ૨૦૨૦ કરવામાં આવી છે આવકવેરા કાયદાની કલમ ૧૩૯ એ એ હેઠળ નક્કી કરાયેલ તારીખ પછી આધારકાર્ડ ધરાવતા લોકોના પાન જો લીંક નહી હોય તો રદ થઇ જશે. આ સુધારો ૧ સપ્ટેમ્બર ૨૦૧૯થી અમલી બની ગયો છે.