ગુરૂગ્રામ, મણીપુર, આસામ, ચેન્નઈ, પ.બંગાળ વગેરેએ લોકડાઉન લંબાવ્યું છેઃ ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન વગેરે કેન્દ્રના દિશાનિર્દેશોની રાહ જુએ છે બાદમાં જાહેર કરશે ગાઈડ લાઈન્સ…
નવી દિલ્હી : દેશમાં અનલોક-૧.૦ની મુદત આવતીકાલે સમાપ્ત થઈ રહી છે ત્યારે દરેક લોકોના મનમાં એવો સવાલ છે કે ૧લી જુલાઈથી કયા પ્રકારના નિયમો લાગુ પડશે. શું રાહત મળશે કે પછી પ્રતિબંધો ચાલુ રહેશે ? રાજ્યોએ આ બાબતે મંથન શરૂ કરી દીધુ છે. કેન્દ્ર સરકાર પણ પ્લાનિંગમાં લાગી ગઈ છે. વિવિધ રાજ્યો તરફથી સંકેતો મળવા શરૂ થયા છે. પ.બંગાળ અને ઝારખંડ જેવા રાજ્યોએ ૩૧ જુલાઈ સુધી લોકડાઉન લંબાવવાનો નિર્ણય લીધો છે તો તામીલનાડુએ અસરગ્રસ્ત વિસ્તારોને બાદ કરતા બાકીની જગ્યાએ છૂટછાટ આપવાનો નિર્ણય લીધો છે.
એક વાત સ્પષ્ટ છે કયાં કોરોના વાયરસના નવા કેસ ઓછા થયા છે ત્યાં છૂટછાટ મળશે બાકી બધે પ્રતિબંધો ચાલુ રહેશે. કોરોના વાયરસના વધતા મામલાઓ જોતા ગુરૂગ્રામ વહીવટી તંત્રએ જિલ્લામાં બે સપ્તાહ માટે સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવા નિર્ણય લીધો છે. ૩૦ જૂનથી ૧૪ જુલાઈ સુધી બે સપ્તાહની અંદર લોકોની ગતિવિધિ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવી દેવાશે. મણીપુર સરકારે પણ ૧લી જુલાઈથી ૧૫ જુલાઈ સુધી લોકડાઉનને આગળ વધાર્યુ છે તો આસામ સરકારે પણ ૧૪ દિવસ માટે લોકડાઉન વધાર્યુ છે. ગુવાહાટીમાં ૧૪મી સુધી લોકડાઉનનું કડક પાલન થશે. તામીલનાડુના ચેન્નઈમાં વિકએન્ડ દરમિયાન સંપૂર્ણ લોકડાઉનનું પાલન કરવામાં આવશે. કર્ણાટક સરકારે રાજ્યમાં નાઈટ કર્ફયુને એક કલાક વધાર્યુ છે હવે રાત્રે ૮થી સવારે ૫ સુધી કર્ફયુ રહેશે.