ન્યુ દિલ્હી : કોરોના વાયરસના કારણે દેશમાં ૪૦ દિવસ તાળાબંધી કરવામાં આવી. આશા હતી કે લોકડાઉનમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકશે. પરંતુ જે પ્રમાણમાં દેશમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે તે પરથી કહી શકાય કે લોકડાઉન છતાં કોરોના કેસમાં ભારે ઘટાડો થઇ શક્યો નથી.
એમ્સના ડિરેકટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે ૪૦ દિવસ સજ્જડ બંધ રહેવા છતાં દેશમાં કોરોના કેસમાં ઘટાડો થયો નથી. દેશમાં હાલમાં કેટલાક વિસ્તારોમાં લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી છે. જોકે રેડ ઝોનમાં વધુ કડક લોકડાઉનનું અમલ કરવામાં આવ્યું છે ત્યાં રણદીપ ગુલેરિયાએ ઈટાલી અને ચીનનું ઉદારહણ આપતાં જણાવ્યું કે સોશિયલ ડીસ્ટન્સ માટે પગલાં લીધા તેના એક મહિના પછી પરિણામો જોવા મળ્યા હતા. જોકે ભારતની પરિસ્થિતિ પર હાલમાં તે વિશે કહી શકાય નહીં ત્યાં એઈમ્સના ડૉ.રણદીપ ગુલેરિયાનું માનવું છે કે જૂન અને જુલાઈમાં કોરોના વાયરસ ભારતમાં પિક પર હશે.
રણદીપ ગુલેરિયા અનુસાર ભારતમાં જે રીતે કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે તે જોઇને તે કહેવું મુશ્કેલ છે કે કોરોના વાયરસ ક્યારે પીક પર હશે. પરંતુ સંભાવનાઓ છે એક જુન અને જુલાઈમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ હશે જેના માટે આપણે તૈયાર રહેવું જોઈએ. આરોગ્ય અને અર્થવ્યવસ્થા બધું એક સાથે મગજમાં રાખીને કામ કરવું પડશે.
ડૉ. ગુલેરિયા અનુસાર કોરોના વાયરસના કેસ વધવા પાછળ કોરોના વાયરસની ટેસ્ટિંગમાં વધારો પણ હોઇ શકે છે. પહેલાં કરતા વધુ ટેસ્ટિંગના કારણે વધુ કેસ સામે આવી રહ્યા છે. નોંધનીય છે કે ભારતમાં જેટલી ટેસ્ટિંગ થાય છે તેમાંથી ૪થી ૪.૫ ટકા લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવે છે.
ભારતમાં કોરોના વાયરસના કેસમાં કોઈ જ ઘટાડાના સંકેત દેખાતાં નથી. મુંબઈ અને અમદાવાદમાં સતત કેસમાં વધારો થઇ રહ્યો છે. ૪૦ દિવસના લોકડાઉન છતાં દેશમાં આ પરિસ્થતી છે ત્યારે કોરોના સામે લડવા માટે સરકારે વધુ આક્રમક રણનીતિ સાથે કામ કરવું પડશે.