સુરત : જિલ્લા કલેક્ટર કચેરી બહાર દેખાવો કરી રહેલા વાલીઓએ જણાવ્યું હતું કે, હાલ હાઇકોર્ટ દ્વારા જે નિર્ણય લેવાયો છે, ત્યારબાદ હવે શાળાઓએ ફી માફી કરી વાલીઓને રાહત આપવી જોઈએ. હાઇકોર્ટ દ્વારા સ્કૂલ ફી નક્કી કરવાનો નિર્ણય રાજ્ય સરકાર પર છોડવામાં આવ્યો છે. જેથી હવે રાજ્ય સરકારે વાલી હિતનું વિચારી રાહત આપવી જોઈએ. આજે શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા પહોંચેલા વાલીઓના હાથમાં બેનરો અને પ્લેકાર્ડ જોવા મળ્યા હતા. જ્યાં અલગ-અલગ ચાર મુદ્દાઓની માંગ બેનરોમાં કરવામાં આવી હતી.
મહત્વનું છે કે, વાલીઓએ શાળાઓ પાસેથી દ્વારા ૬૦થી ૭૦ ટકા ફી માફીની માંગ કરી છે. ફી મુદ્દે હાઇકોર્ટ દ્વારા શુક્રવારના રોજ આપવામાં આવેલા હુકમ બાદ સુરતના વાલીઓએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, છેલ્લા પાંચ માસથી વાલીઓ કફોડી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. ત્યા બીજી તરફ શાળા સંચાલકો ફી માટે દબાણ કરી રહ્યા છે. તેમ છતાં રાજ્ય સરકાર આ મામલે કોઇ ચોક્કસ નિર્ણય લઈ શકી નથી.