Charotar Sandesh
ગુજરાત

ગોધરા ટ્રેન કાંડ : ૧૯ વર્ષથી નાસતો ફરતો મુખ્ય આરોપી રફીક હુસેન ભટુક ઝડપાયો…

એસ.ઓ.જી.પોલીસે વૉન્ટેડ આરોપીને ગોધરા તેના નિવાસસ્થાનેથી ઝડપી પાડ્યો, ઝડપાયેલા આરોપી સામે હત્યાનો પ્રયાસ, કાવતરું ઘડવા જેવા અનેક ગુના નોંધવામાં આવ્યા હતા…

ગોધરા : ગુજરાતના પંચમહાલ જિલ્લામાં ગોધરા રેલવે સ્ટેશન પર આશરે ૧૯ વર્ષ પહેલા કારસેવકોને જીવતા સળગાવવાની ઘટનાનો મુખ્ય આરોપી આખરે પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે. ગુજરાત પોલીસે ગોધરાથી રફીક હુસૈન નામના શખસની ધરપકડ કરી દીધી છે. પંચમહાલ પોલીસના મતે, રફીક હુસૈન તે કોર ગ્રુપનો હિસ્સો હતો જેણે ગોધરાકાંડનું કાવતરું ઘડ્યું હતું અને છેલ્લા ૧૯ વર્ષથી તે ફરાર હતો. જાણકારી પ્રમાણે પોલીસને બાતમી મળી હતી.
ત્યારબાદ પોલીસ હરકતમાં આવી જઈને રેલવે સ્ટેશનની બાજુના ઘરમાં રેડ કરી હતી, જ્યાંથી રફીક હુસૈનને ઝડપી પાડ્યો છે. પોલીસનું કહેવું છે કે ગોધરાકાંડમાં ટ્રેનના કંપાર્ટમેન્ટને સળગાવવા માટે પેટ્રોલની વ્યવસ્થા કરવી, ભીડને ભડકાવવી અને આખા કાવતરાની બ્લૂપ્રિન્ટ બનાવવામાં રફીક હુસૈનનો મોટો હાથ હતો. તેના પર હત્યા અને અથડામણ કરાવવાના ગુના પણ નોંધાયેલા છે. ગુજરાતમાં ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ ગોધરા રેલવે સ્ટેશન પર કારસેવકોથી ભરેલી ટ્રેનને સળગાવી દેવામાં આવી હતી. આ ઘટનામાં કુલ ૫૯ કારસેવકોના મોત થઈ ચૂક્યા હતા, ત્યારબાદ ગુજરાતમાં ૨૦૦૨ના તોફાનો ફાટી નીકળ્યા હતા.
પોલીસે જાણકારી આપી છે કે રફીક હુસૈન તે વખતે એક મજૂરના રૂપમાં સ્ટેશન પર કામ કરતો હતો. જ્યારે ટ્રેન આવી ત્યારે પથ્થરમારો કર્યો હતો અને પેટ્રોલ છાંટવામાં આવ્યું હતું. આ ઘટનામાં રફીક પણ તેમાંથી એક હતો. પરંતુ આ ઘટના બાદ રફીક હુસૈન અહીંથી ભાગી ગયો અને દિલ્હીમાં રહેવા લાગ્યો હતો. પોલીસે વધુમાં જણાવ્યું કે ગોધરાકાંડની ઘટનાના ૧૯ વર્ષ પછી અમને રફીક હુસૈન વિશે બાતમી મળી હતી. અમને જાણ થઈ કે હુસૈન તેના પરિવારને શિફ્ટ કરવાનો છે. હવે જ્યારે તે દિલ્હીથી પોતાના પરિવારજનોને મળવા અહીં આવ્યો હતો, ત્યારે અમે મોકો જોઈને રેડ કરીને તેની ધરપકડ કરી લીધી હતી.

Related posts

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિ ‘નિશાન’ પ્રદાન કર્યું…

Charotar Sandesh

ફાયર સેફટીનું પાલન કરો અથવા હોસ્પિટલ બંધ કરો : ગુજરાત હાઈકોર્ટ

Charotar Sandesh

પાટીદાર અભિયાન : દીકરીઓની અછત નિવારવા ગુજરાત બહારના રાજ્યમાંથી પાટીદારોને દીકરી લાવવાનો નિર્ણય

Charotar Sandesh