Charotar Sandesh
ટિપ્સ અને કરામત સ્વાસ્થ્ય અને તંદુરસ્તી હેલ્થ

તંદુરસ્ત અને સ્વસ્થ-સુખી જીવન જીવવા માટે જીવનમાં સ્વચ્છતા ખુબ જરૂરી…

મેલેરિયા અને ડેન્ગ્યુથી બચવા હોય તો  સ્વચ્છતા અપનાવીએ  અને રોગોથી દૂર રહીએ એ જ આખરી ઇલાજ છે…

તંદુરસ્ત હોવું એ જીવનનું સૌથી મોટુ સુખ છે. તંદુરસ્ત અને સ્વસ્થ રહેવું આમ તો બહુ સરળ છે તેમ છતાં પણ બધા તંદુરસ્ત કેમ નથી રહી શકતા ?  કારણ સાવ સરળ છે. જેઓ સ્વચ્છતા અને આહારમાં બેદરકાર છે તેઓ બિમારીને આમંત્રણ આપે છે.

સ્વચ્છતા શબ્દ જેટલો પવિત્ર છે એટલો જ  મહાન છે. માનવ જીવનના પ્રારંભથી સ્વચ્છતાનો મહિમા કરવામાં આવે છે. સુખનું બીજુ નામ સ્વચ્છતા છે. વિકાસના આ જેટ યુગમાં દુનિયા માણસની મુઠ્ઠીમાં જ છે. ઇન્ટરનેટ અને વિવિધ ટેકનોલોજીના વિકાસથી બે સ્થળો વચ્ચેનું અંતર જાણે ગાયબ થઇ ગયું છે. સમગ્ર વિશ્વ હવે એક વિશ્વગ્રામ બન્યું છે. વિકાસના આ યુગમાં આપણે સ્વચ્છતાના આગ્રહી કેમ બનતા નથી….?

યાદ રહે કે જયાં સુધી ગંદકી છે ત્યાં સુધી આપણે અને આપણાં પરિવારજનો દવાખાના, લેબોરેટરીની લાઇનોમાં જ રહેવાના છે. આપણે પાણીનો બેફામ અને બેદરકારીભર્યો ઉપયોગ કરીને મચ્છરોની જાણે ફેકટરીઓ ઉભી કરી રહ્યા છે. જેના કારણે મચ્‍છરો પેદા થાય છે અને આ મચ્છરોથી મેલેરિયા, ડેન્ગ્યુ જેવી ભયંકર બિમારી થાય તેની ખબર છે પણ આપણે તેની ગંભીરતા નથી સમજતા.

જયાં પાણીનો ભરાવો થાય છે ત્યાં મચ્છર અવશ્ય પેદા થાય છે. આપણા ઘર કે આજુબાજુમાં પાણી ન ભરાય તેની કાળજી લઇએ. ઘરના ધાબા ઉપર કે બહારની કોઇ જગ્યાએ પાણી ભરાયેલું હોય તે મચ્છરની ઉત્પત્તિનું કેન્દ્ર છે. વધારે પાણી ભરાયેલુ હોય ત્યાં પાણી ઉપર કેરોસીન કે ઓઇલ નાખીને પણ મચ્છરની ઉત્પત્તિ અટકાવી શકાય. આપણાથી કયાંય ગંદકી ન થાય તેની કાળજી રાખવી બહુ જરૂરી છે. આપણા ગામ કે શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી સરકારની સાથે આપણી પણ છે જ. મેલેરિયા અને ડેન્ગ્યુથી બચવા સ્વચ્છતા જ આખરી ઇલાજ છે

જિલ્લાના આરોગ્ય વિભાગ ધ્વારા મેલેરિયા નિયંત્રણ માટે એક્શન પ્લાન બનાવાયો છે. તેની સાથોસાથ આરોગ્ય વિભાગના કર્મચારીઓ વ્યાપક લોકસંપર્ક કરીને મચ્છરોને અટકાવવા વ્યાપક પ્રમાણમાં પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે.

સાથોસાથ તાવ આવે ત્યારે બ્લડ ટેસ્ટ જરૂર કરાવીએ. મચ્છરોના નાશ માટે દવાનો છંટકાવ પણ કરીએ. ઘરની આજુબાજુ પાણીનો ભરાવો ન થવા દઇએ. ડેન્ગ્યુ તાવ એડીસ ઇજીપ્તે મચ્છરો ધ્વારા જ ફેલાય છે. આ મચ્છરો દિવસે જ કરડે છે. લાંબી બાંયના કપડાં પહેરીએ. મચ્છર દુર રાખવાની ક્રીમ  લગાવીએ. ઘરમાં પાણીના વાસણો હવાચુસ્ત ઢાંકણથી બંધ રાખીએ. તમામ પ્રકારની પાણીની ટાંકીઓ, ફુલદાની વગેરે અઠવાડીયામાં એક વખત સાફ કરીએ.

નાના બાળકો અને ઉંમરલાયક વડીલોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાથી જલ્દી બિમાર થઇ જાય છે. આપણા વ્હાલસોયા બાળકો અને સન્માનીય વડીલોને મચ્છરોના ઉપદ્રવથી બચાવવાની કાળજી રાખીએ. આપણે સ્વચ્છતાના આગ્રહી નહીં બનીએ, તે હવે ચાલે તેમ નથી. અત્યારે કોરોનાના સમયમાં સમગ્ર દેશમાં અને રાજયમાં સ્વચ્છતાનો સરસ બદલાવ આવી રહ્યો છે. એમાં આપણે પણ પાછળ ન રહીએ અને સ્‍વચ્‍છતમાં સહયોગ આપી મેલેરિયા, ડેન્‍ગ્‍યુ  કોરોના જેવી બિમારીઓને હરાવીએ.

Related posts

કોવિડ 19- શું તમે જાણો છો કે દેશના લોકો સૌથી ઓછા હાથ ધુએ છે – 20 સેકંડ સુધી સાબુથી હાથ શા માટે ધોવું જોઈએ…

Charotar Sandesh

હવે તમે વોટ્‌સએપમાં મેસેજ એડિટ કરી શકશો, આ રીતે કામ કરશે ફીચર, જુઓ

Charotar Sandesh

સ્કૂલ ફ્રોમ હોમ : બાળકો માટે કેવો ડાયેટ રાખશો?

Charotar Sandesh