Charotar Sandesh
રિલેશનશિપ

નવી પરણીને આવેલી વહુ કમાય છે એટલે મનફાવે એમ ખર્ચા કરે છે તેને ઘરની જવાબદારી લેતી કરવા શું કરવું?

સવાલ – દરેક છોકરી પરણીને સાસરે જાય એ પછીનો શરૂઆતનો કેટલોક સમય ઍડજસ્ટમેન્ટનો હોય. ભલભલા ભણેલાગણેલા, ઉદારમતવાદી અને વહુને દીકરી માનવાની વાતો કરનારા પરિવારમાં પણ સહેજ તો ઊથલપાથલ થાય જ થાય. મારા દીકરાને પરણાવ્યો ત્યારે પણ મને ખબર હતી અને હું એ માટે મનથી તૈયાર હતી પરંતુ જ્યારે હકીકતમાં વહુ ઘરના દ્વારે આવીને ઊભી રહી ત્યારે સ્થિતિને કાબૂમાં રાખવાનું અઘરું છે. હું અને મારો દીકરો લગભગ ૧૪ વર્ષથી એકલાં જ છીએ. પતિ ગુજરી ગયા પછી મેં જ તેને મોટો કર્યો. એમાં પાછો દીકરો ભણવા માટે જર્મની જઈને આવ્યો એટલે છેક ૩૦ વર્ષની વયે તેનાં લગ્ન થઈ શક્યાં. લૉકડાઉનને કારણે કોઈ ધામધૂમ કર્યા વિના જ પ્રસંગ આટોપી દેવો પડ્યો. આજકાલની વહુઓને નવા ઘરની નીતિ-રીતિ અપનાવવાને બદલે પોતાનો જ કક્કો ખરો કરવો હોય છે. મેં એકલે હાથે દીકરાને મોટો કર્યો છે એટલે સ્વાભાવિક છે કે મને કરકસરની આદત હોય, પણ વહુને તો વર કમાય છે એટલે ઉડાવવામાં જ રસ હોય. અત્યારે દીકરાની નોકરીમાં પણ મુશ્કેલી છે એવામાં વહુને ન તો ઘરનું કામ કરવામાં રસ પડે છે ન તો કોઈ જવાબદારી લેવામાં. ઘરમાં રોજ શું બનાવવાનું છે એની પણ તેને ચિંતા ન હોય. કંઈક લાવવા-મૂકવાનું કહ્યું હોય એમાં પણ તે જરૂરી ચીજોને બદલે નકામા ખર્ચા કરી આવે. માન્યું કે તે પોતે પણ કમાય છે એટલે હાથ છૂટો રહેવાનો, પણ આ ઘરના તોરતરીકા શીખવવા શું કરવાનું? બે મહિનામાં જ દીકરો પણ વહુનો થઈ ગયો છે. વહુને તેની જવાબદારી શીખવવા શું કરવું?

જવાબ : ઘરમાં નવી એક પણ વ્યક્તિ કોઈ પણ રોલમાં ઉમેરાય ત્યારે સંબંધોના સમીકરણોમાં બદલાવ તો આવે જ. એ નવી વહુ હોય કે નાનું બાળક. આપણે એ સમજવાનું રહે કે જે વ્યક્તિ ઘરમાં નવી આવી છે તેનો પોતાનો પણ એક ખાસ રીતે ઉછેર થયેલો છે એટલે જેમ તમારા ઘરની નીતિ-રીતિ તેણે અપનાવવી જોઈએ એમ તે વ્યક્તિની આદતો અને પસંદ-નાપસંદ મુજબ ઘરની રહેણીકરણીમાં પણ થોડાક બદલાવ થવાના જ. આ એવી બાબત છે કે એમાં બન્ને પક્ષ જો રસ્સીને પકડીને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરે તો તણાવ વધે જ. રસ્સી તૂટી જાય અને બન્ને પક્ષ દૂર અફળાઈને પડે. બન્ને હર્ટ થાય. પણ જો બન્ને પક્ષ એકમેકની તરફ એક-એક ડગલું માંડવાની કોશિશ કરે તો એ જ રસ્સી બે પક્ષોને નજદીક લાવવાનું માધ્યમ બની શકે.
તમે કહો છો કે વહુ જવાબદાર નથી. એનું કારણ શું? તે નોકરી કરીને કમાઈ શકે એટલી પગભર તો છે જ. મતલબ કે તે ક્યાંક તો જવાબદારીભર્યું કામ નિભાવી શકે એવી કાબેલિયત ધરાવે જ છે. ઘરમાં તે જવાબદારી નથી લેતી એનું કારણ શું છે એ તમારે શોધવું જરૂરી છે. શું તેને ઘરના કામમાં રસ નથી પડતો ? કે પછી તેને એમ લાગે છે કે તમારી પાસેથી જવાબદારી લઈ લેશે તો ક્યાંક તમને એવું ન લાગે કે તે તમારા હાથમાંથી ઘરનો દોરી સંચાર છીનવી રહી છે. બેમાંથી કોઈ પણ કારણ હોય, મને એવું લાગે છે કે કોઈકને જવાબદારી શીખવવી જ હોય તો એ સલાહોથી નહીં, જવાબદારી સોંપીને જ શીખવી શકાય.
ક્યાંક વાંચ્યું હતું કે આપણી મરજી વિરુદ્ધ જે છૂટવાનું છે એને સમજણપૂર્વક અળગું કરવામાં જ ડહાપણ સમાયેલું છે. ધીમે-ધીમે કરીને દીકરાવહુને છૂટ આપીને ઘરના નિર્ણયોમાં સામેલ કરો. વહુ મનમાની કરે એના કરતાં તેના માથે જવાબદારીઓ નાખીને તેને ટ્રેઇન કરવી અને અંગત ગમા-અણગમાને થોડાક અળગા રાખવા એ જ એક માત્ર ઉકેલ છે.

Related posts

“માતૃ દિવસ” : જગતના અસ્તિત્વનો પાયો એટલે ‘માં’

Charotar Sandesh

પાર્ટનરને કિસ કરવાથી પુરુષોની ઉંમર ૫ વર્ષ સુધી વધી જાય છે…..!!!

Charotar Sandesh

મારી મિત્ર બ્રેકઅપ પછી બેફામ થઇ છે, હવે તેને લૉન્ગ ટર્મ સંબંધમાં રસ નથી

Charotar Sandesh