Charotar Sandesh
ગુજરાત

પેટાચૂંટણી : ચાર બેઠકો પર ત્રિપાંખિયો જંગઃ બાપુનો ફડાકો, ભાજપ- કોંગ્રેસની ઊંઘ હરામ…

દેશમાં બિહાર રાજ્ય સાથે દેશના અન્ય રાજ્યોમાં ખાલી પડેલી ૬૬ બેઠકો માટે પેટા ચૂંટણીઓ યોજાનાર છે. જેમાં ગુજરાતમાં આઠ બેઠકો માટે પેટા ચૂંટણી યોજાનાર છે. આ ૮ બેઠકો પૈકી ચાર બેઠક ઉપર પ્રજા શક્તિ પાર્ટી પ્રેરિત ૪ ઉમેદવારોએ ઝંપલાવતા આ ચાર બેઠકો ત્રિ-પાખીયો જંગ બની ગઈ છે. આ કારણે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોની ઊંઘ હરામ થઇ ગઇ છે.

રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષે પોતાના ઉમેદવારો ઊભા રાખીને ચૂંટણી પ્રચાર પ્રારંભ કર્યો છે. જેમાં અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટયો છે…. પરંતુ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રના પૂર્વ કપડા મંત્રી શંકરસિંહ વાઘેલાએ પ્રજા શક્તિ પાર્ટી ઊભી કર્યા બાદ તેઓ સતત પ્રજા વચ્ચે જઈને એક પછી એક લોક હિતના મુદ્દા ઉઠાવતા રહ્યા છે જેને કારણે પાર્ટીનું સંગઠન ઉભુ થવા સાથે મજબૂત બની ગુજરાતમાં ઉભરી ગયું છે. તાજેતરમા યોજાનાર પેટા ચૂંટણીમાં પ્રજા શક્તિ પાર્ટી પ્રેરીત ચાર ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. જેમાં અબડાસા બેઠક ઉપર હનિફ પઢિયાર,ડાગ બેઠક પર મનુભાઈ ભોઈ, કપરાડા બેઠક પર પ્રકાશ પટેલ અને મોરબી બેઠકની પેટાચૂંટણીમાં વસંત પરમારને ઉતાર્યા છે. તે સાથે આ ચારેય ઉમેદવારોના પ્રચારમાં પાર્ટી કાર્યકરો મોટી સંખ્યામાં ઉતરી પડ્યા છે. શંકરસિંહ વાઘેલાની જાહેર સભાઓ અને બેઠકોમાં વિશાળ સંખ્યામાં લોકો ઉમટી પડતાં તેઓની લોકપ્રિયતાનો લાભ ચારેય ઉમેદવારોને માટે લાભદાયક બની રહેવાની શક્યતા વધી જવા પામી છે.

લોકશક્તિ પાર્ટીએ લોકહિતના મુખ્ય મુદ્દાઓને લઈને પ્રજા માટેનો સંકલ્પ જાહેર કર્યો છે. જેને મોટા ભાગના લોકો આવકારી રહ્યા છે. સંકલ્પ પત્રમાં ૧૨ લાખ સુધીની આવક વાળા ગરીબ- મધ્યમ વર્ગના બાળકોને ટેકનિકલ, મેડિકલ સહિત પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી વિનામૂલ્યે શિક્ષણ, ૧૨ લાખ સુધીની આવક વાળા દરેક પરિવારને સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં રૂ. ૧૨ લાખનું આરોગ્ય વીમા કવચ, લોકોને ૧૦૦ યુનિટ સુધી મફત વીજળી, ખેડૂતોને મીટરથી મુક્તિ, ખેતી માટે હોર્સપાવર દીઠ ૪૦૦ થી ૫૦૦ વીજ બીલ, ખેડૂતોનું દેવું માફ, ટેકાના ભાવે ફરજિયાત ખરીદી તેમજ ખાતર બિયારણ ભાવોમાં રાહત, દર વર્ષે ૨ લાખ શિક્ષિત યુવાનોને રોજગારી અથવા બેરોજગારી ભથ્થુ, સરકારી નોકરીઓમાં વચેટિયા- કોન્ટ્રાક્ટર સિસ્ટમને નાબૂદ કરવી આ ઉપરાંત તજજ્ઞોની સલાહ પ્રમાણે દિલ્હી, મુંબઈ અને બેંગલોરની લિકર પોલીસીનું અધ્યયન કર્યા બાદ વૈજ્ઞાનિક લિટર પોલીસી તેમજ દારૂબંધીને કારણે ડ્રગ્સ તરફ વળી ગયેલા યુવાધનને બચાવવા કડક કાયદો જેવા લોકોને ગમતા મુદ્દા ઉઠાવ્યા છે.

લોકશક્તિ પાર્ટીના ઉમેદવારોને મળી રહેલા લોક આવકાર જોઈને આ ચાર બેઠકોના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની હાલત ડામાડોળ થઈ ગઈ છે. એટલે બંને પક્ષના ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવી દીધું છે. પરંતુ શંકરસિંહ વાઘેલાનું શાસન જોઈ તેમજ અનુભવી ચૂકેલાઓ અને તેઓની લોકપ્રિયતાએ લોક શક્તિ પાર્ટીના ઉમેદવારો માટે સફળતા મળવા તરફના દ્વાર ખોલી નાખ્યા છે.

(જી.એન.એસ,હર્ષદ કામદાર)

Related posts

નરેશ પટેલના રાજકારણમાં જોડાવાને લઈ ભારે સસ્પેન્સ : નરેશ પટેલને ભાજપે આપી આ મોટી ઓફર

Charotar Sandesh

એક જ પાર્ટી પર છાપ નથી મારી બીજી ઘણી પાર્ટીઓ છે : નારાજ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ

Charotar Sandesh

આર.ટી.ઓ.ની કામગીરી હવે ગ્રામ પંચાયતથી પણ શરૂ થશે

Charotar Sandesh