Charotar Sandesh
ઈન્ટરેસ્ટિંગ ઈન્સ્પિરેશનલ ધર્મ ધર્મ ભક્તિ

તમારા અવગુણોને ગુણોમાં પરિવર્તિત કરી સાચી સમજના દિવ્ય ચક્ષુ આપનાર પરમ પિતા એટલે ‘ગુરુ’

ગુરુ ગોવિંદ દોનો ખડે કિસીકો લાગુ પાય! 
બલિહારી ગુરુ આપકી, ગોવિંદ 
દિયો બતાય ! 
  • જગત ભરમાં ગુંજતી આ સુમધુર પંક્તિઓ ગોવિંદના ચરણોમાં ગુરુ ને સ્થાન આપી, ગુરુ ને વિશ્વનું સર્વોચ્ચ સ્થાન અપાવે છે. કારણકે ગુરુ જ જગતપિતા ગોવિંદના ચરણો સુધીનો રસ્તો બતાવે છે તથા ગોવિંદની સાચી આરાધના એટલે સર્વોચ્ચ જીવન જીવતા શીખવે છે.
જ્યારે હૃદયમાં છેક ઉંડે સુધી અંધકાર છવાયેલો હોય, અને બહાર અજ્ઞાનતાનું જાળું હોય આંખે દેખેલું તથા કાને સાંભળેલુ કશું જ ઉપયોગી જણાતું ન હોય ત્યારે પોતાના જ્ઞાન અને હૂંફની એક ફૂંક માત્રથી તમામ નિરાશાના વાદળો હટાવી દેનાર ચૈતન્ય એટલે ગુરુ. તમારી સફળતા – નિષ્ફળતાને સ્વીકારી તમને રાહ ચિંધનાર તથા તમારા અવગુણોને ગુણોમાં પરિવર્તિત કરી સાચી સમજના દિવ્ય ચક્ષુ આપનાર પરમ પિતા એટલે ગુરુ.
આપણા ભારતીય ઈતિહાસમાં આપણે વશિષ્ઠ, વિશ્વામિત્ર, સાંદિપની, દ્રોણાચાર્ય જેવી ગુરુ પરંપરાને ઓળખીએ છીએ તથા એ થકી જ્ઞાન મેળવીએ છીએ કે ઈશ્વરને પણ વિપત્તિના સમયે ગુરુની જરૂરિયાત રહેલી.આપણે રામ, કૃષ્ણ, અર્જુન,એકલવ્યની ગુરુ વગર કલ્પના કરી શકીએ? આપણી ભારતીય સંસ્કૃતિના છેક મૂળ ગુરુ પરંપરાથી જ સિંચાયેલા છે અને એટલે જ તેની ભવ્યતા અને વિવિધતા બેનમૂન છે.
ગુરુ તેના શિષ્ય સાથે ૠણાનુબંધનથી જોડાયેલા હોય છે તેથી જ એ શિષ્યના હૃદયનો વિષાદ શિષ્યને જોવા માત્રથી પામી જતા હોય છે.ૠણાનુંબંધનથી જોડાયેલ આ જ ગુરુ શિષ્યની કાબેલિયત અને ભાવનાત્મક તમામ પાસાંઓ પિછાણી શિષ્યની ભાવી સફળતા -નિષ્ફળતા પામી જતાં હોય છે અને પછી જેમ એક કોલસો હીરામાં પરિવર્તિત થાય એમ  સતત મહેનત અને સાધનાથી ગુરુ પોતાના શિષ્યને કોલસામાંથી  હીરો બનાવી દેતા હોય છે.
ગુરુ પદે બિરાજમાન પુરુષ,સ્ત્રી, નાન્યત્તર જાતિ, પશુ પંખીઓ, ધરતી, આકાશ,વૃક્ષ, નદી, સાગર, પર્વત,સૂરજ,ચંદ્ર, તારા કે પુસ્તક પણ હોઈ શકે. આપણને જેના સાનિધ્યમાં શાંતિ, હકારાત્મકતા, પ્રકાશ અને સ્વ વિકાસ થકી જગત વિકાસ કરવાનો અહેસાસ થાય એ આપણે મન ગુરુ હોય શકે.
આજના દિવસે જગત ભરમાં આ તમામ અવિરત રહેલા ગુરુ સ્વરૂપને વંદન સાથે સાક્ષાત કરીએ અને તેમને ચીંધેલા માર્ગ પર આપણા હૃદય કમળ સાથે ચાલવાનો નિર્મળ સંકલ્પ કરીએ અને આપણા સૌનો હાલનો વિષાદ કોરોના મહામારીને મ્હાત કરીએ.
 હે ગુરુ તમે કાયમ મારી આંગળી જાલી છે,
મારા પગ તળે ધરતી જ્યારે ખસી છે.. 
ત્યારે મારા ઉપર તમે આકાશ કાયમ રાખ્યું છે.. 
ત્યારે આજના દિવસે તમને શત્ શત્ વંદન.. 
  • એકતા ઠાકર : આચાર્યશ્રી, બામણગામ પ્રાથમિક કન્યા શાળા, તા: આંકલાવ, જિ : આણંદ

Related posts

આત્મહત્યા કરતાં આત્મચિંતન કરવામાં આવે, તો કદાચ કોઈ હલ મળી જાય…

Charotar Sandesh

रक्षासूत्र का मंत्र और अर्थ – रक्षा सूत्र बांधते समय ब्राह्मणया पुरोहत अपने यजमान को कहता है कि

Charotar Sandesh

આજનું પંચાંગ

Charotar Sandesh