Charotar Sandesh
ગુજરાત રિલેશનશિપ

લગ્નો પર કોરોનાની અસરઃ મુહૂર્ત હોવા છતાં ઈચ્છુકોને જોવી પડી શકે છે દિવાળી સુધીની રાહ…

ગાંધીનગર : કોરોના વાયરસનો કહેર દેશમાં ધીમે ધીમે વધી રહ્યો છે, ત્યારે કોરોના વાયરસનાં કારણે લગ્નોનાં મુહર્તમાં પણ વિઘ્ન બની રહ્યો છે. મીનાર્ક કમૂર્તાની ૧૩ એપ્રિલ-સોમવારથી સમાપ્તિ થવા જઇ રહી છે. સામાન્ય રીતે મીનાર્ક કમૂર્તાની સમાપ્તિ સાથે જ લગ્નસરાનો પ્રારંભ થઇ જતો હોય છે. પરંતુ આ વખતે વૈશાખ માસમાં ૧૪ મુહૂર્ત હોવા છતાં એક પણ લગ્નો યોજાય તેની સંભાવના નથી. કોરોના વાયરસના કેરને પગલે વૈશાખ માસમાં જેમણે લગ્નો નિર્ધાયા હતા તેવા પરિવારોની ગોર મહારાજો પાસે વિવાહ સ્થગિત કરવા દોડધામ વધી ગઇ છે.આમ, લગ્નવાંચ્છુ યુવક-યુવતિઓને હજુ રાહ જોવી પડશે. અમદાવાદમાં અંદાજે ૮ હજાર જેટલા બ્રાહ્મણો કર્મકાંડના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

વિક્રમ સંવત પ્રમાણે વૈશાખ, જેઠ અને અષાઢમાં લગ્નનું છેલ્લું મુહૂર્ત આવે છે અને ત્યારબાદ દિવાળી પછી જ લગ્નના મુહૂર્ત નીકળતાહોય છે. વૈશાષ-જેઠ-અષાઢ એમ ત્રણ માસમાં અમદાવાદમાં ૪ હજારથી વધુ યુગલો લગ્નના તાંતણે બંધાતા હોવાનો અંદાજ છે. પરંતુ કોરોના વાયરસના કેરને પગલે પરિવારો લગ્નના મુહૂર્ત રદ કરાવી રહ્યા છે. હાલ અનિશ્ચિતતાભરી સ્થિતિ હોવાથી મોટાભાગના પરિવારોએ વિક્રમ સંવત ૨૦૭૬માં લગ્ન કરાવવાનું માંડી જ વાળવાનું નક્કી કર્યું છે. દિવાળી પછી લગ્ન યોજવા કે કેમ તેના અંગે પણ આગામી બે મહિનાની સ્થિતિને આધારે જ નિર્ણય લેવાશે. અનેક પરિવારોએ વૈશાખ માસના લગ્ન માટે ગત વર્ષે દિવાળી બાદ જ હોલ-વાડી બૂક કરાવી દીધા હતા. પરંતુ હવે તેમણે આ બૂકિંગ જ રદ કરાવી દીધું છે.

કોરોનાને પગલે હાલની સ્થિતિ પ્રમાણે લોક ડાઉન લંબાશે તે નિશ્ચિત છે. એપ્રિલ માસમાં જ લગ્નના ૧૬-૧૭-૨૫-૨૬ એમ ચાર દિવસ મુહૂર્ત છે. બીજી તરફ મે માસમાં લગ્નના ૧૦ મુહૂર્ત છે. મે માસમાં લોક ડાઉન હટાવી દેવામાં આવે તો પણ મોટાભાગના પરિવારોએ પ્રવર્તમાન સ્થિતિને પગલે એ વખતે લગ્ન નહીં યોજવાનો નિર્ણય લીધો છે. લગ્નની સિઝન પર અસર થતાં અનેક વ્યવસાયો પર પણ વિપરિત અસર થાય છે. જેમાં ગોર મહારાજ-વાડી-હોલ-હોટેલ-કેટરિંગ-કપડા-ઝવેરાત-કંકોત્રી છાપનારા-ડેકોરેશનવાળા- બેન્ડવાજા-ફૂલવાળા-વિડીયોવાળા-ફૂલવાળા-ભાડે કાર-બસ આપનારાનો સમાવેશ થાય છે.

વર્ષ ૨૦૨૦માં લગ્નનાં શુભ મુહૂર્તો…
એપ્રિલ : ૧૬,૧૭,૨૫,૨૬
મે : ૧,૨,૪,૫,૬,૧૫,૧૭,૧૮,૧૯,૨૩
જૂનઃ ૧૧,૧૫,૧૭,૨૭,૨૯,૩૦
નવેમ્બર : ૨૭,૨૯,૩૦

Related posts

LRD-PSI બંન્ને ભરતી માટે અરજી કરનારે એક જ વાર શારિરીક કસોટી આપવાની રહેશે

Charotar Sandesh

આંગણવાડી-મિની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો…

Charotar Sandesh

એટીએસનું સફળ ઓપરેશનઃ નકલી નોટો સાથે ૪ લોકોની કરાઈ ધરપકડ…

Charotar Sandesh