ન્યુ દિલ્હી : ક્રિકેટની મેચ મોટાભાગે વરસાદના વિધ્નને કારણે મોડી શરૂ કરવામાં આવે છે. પણ વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ રહેલી કેરેબિયાઈ પ્રીમિયર લીગની એક મેચ મોડું થવાનું કાંઈક અજીબ જ હતું. ત્રિનિદાદ એન્ડ ટોબેગોમાં બનેલ બ્રાયન લારા ક્રિકેટ સ્ટેડિયમમાં જે પિચ પર આ મેચ રમાવાની હતી, ત્યાં ભૂલથી ક્રિકેટનો બોલ ફસાઈ ગયો હતો. અહીં ગયાના એમેઝોન વોરિયર્સ અને જમૈકા તલાવાસ વચ્ચે મેચ રમાવાની હતી.
પિચ ક્યુરેટર આ પિચને મેચ પહેલાં રોલ કરી રહ્યા હતા. આ દરમિયાન રોલરની નીચે એક બોલ આવી ગયો અને તેના પર કોઈનું ઘ્યાન ગયું નહીં. રોલર બોલ પરથી પસાર થયા બાદ ખબર પડી કે બોલ તો હવે પિચમાં ફસાઈ ગયો છે. અને તેનો થોડો ભાગ બહાર નીકળેલો છે. જે બાદ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
મેચ શરૂ થતાં પહેલાં જ આયોજકો અને ખેલાડીઓનું ધ્યાન ગયું તો સૌ કોઈ હેરાન થઈ ગયા. આયોજકોએ પિચને ફરીથી ઠીક કરવા માટે મેચ મોડા શરૂ કરવાનો નિર્ણય કર્યો. અને જ્યારે બોલને પીચમાંથી બહાર કાઢવામાં આવ્યો તો ત્યાં નાનો ખાડો પડી ગયો હતો. જે બાદ પીચને રમવા યોગ્ય બનાવવા માટે પણ સમય લાગ્યો હતો.