Charotar Sandesh
ઈન્ટરેસ્ટિંગ ઈન્ટરેસ્ટિંગ ઈન્સ્પિરેશનલ ચરોતર ટ્રેન્ડીંગ

આંગણે મોંઘેરો મહેમાન આવ્યાનો અવસર છે, ઝરમર ઝરમર વરસાદ આવ્યાનો અવસર છે…

આવ રે વરસાદ, ઢેબરિયો પરસાદ, 
ઊની ઊની રોટલી ને કારેલાનું શાક !
આંગણે મોંઘેરો મહેમાન આવ્યાનો અવસર છે. ઝરમર ઝરમર વરસાદ આવ્યાનો અવસર છે. 
મોરના ટહૂકાઓ વાદળને મોકલ્યાનો અવસર છે. આકાશે ધરતીને દરિયો મોકલ્યાનો અવસર છે. 
           પવન સાથે સુગંધના એંધાણ થયાં ત્યાં તો આવી ચડ્યો. તે આવતાં ભીની માટીની સુગંધનો પારો ઉંચો ચડ્યો અને ધરાનો પારો નીચે ઉતર્યો. હું વાત કરું છું હમણાં જ આવી ચડેલા પહેલા વરસાદની!!!
           શ્વસન તંત્રના માર્ગમાં નાક પછી શ્વાસનળી, ફેફસાં અને ઉરોદર પટલ આવે તો પણ આ માટીની મહેક નાક દ્વારા સીધી હૃદયમાં પહોંચે છે! વરસાદનું એક એક ટીપું એટલે જાણે આકાશે ધરતીને લખેલા પત્રનો એક એક અક્ષર. જેવો આકાશે લખેલ પત્રનું સ્વરૂપ અેવો વરસાદનું સ્વરૂપ અને એવું ધરતીનું રૂપ.આકાશ અને ધરતી વચ્ચેનો આ પ્રેમ ખાનગી રહેતો નથી અને આપણે સૌ પણ તે અનુભવીએ છીએ. ક્યારેક એ ધીમો  ઝરમર ઝરમર તો ક્યારેક સાંબેલાધાર તો ક્યારેક વીજળીની તલવાર લઇને લડતો રોંદ્ર સ્વરૂપનો લડવૈયો,અને ક્યારેક પ્રેમના સંગીત સમો મધૂરો.
           વરસાદની મૌસમ એટલે કીડી – મંકોડા, અળસિયા, દેડકાં સાથે પાક્કી દોસ્તી નિભાવવાની મૌસમ. જીંદગીની રફ્તારમાંથી ક્યાંક અટકીને ઝાડની નીચે પ્રિયજન સાથે ગુફ્તેગો કરવાની મૌસમ. નાના હોઇએ ત્યારે વરસાદમાં હોડી- હોડી રમવાની અને યુવાન વયે છત્રી વગર પલળવાની મૌસમ તથા વૃદ્ધ વયે હીંચકા પર પ્રિયજન સાથે બેસીને ચા પીતાં પીતાં વરસાદને માણવાની મૌસમ.
           વરસાદી મૌસમમાં વૃક્ષનું પાંદડે પાંદડું પ્રકાશસંશ્લેષણનો વેગ વધારી દે છે ,પ્રત્યેક વૃક્ષ જાણે પૃથ્વી પર ઓક્સિજન વધારવા ઓવરટાઇમ ડ્યૂટી કરે છે. ઉનાળામાં આ વૃક્ષના પર્ણોએ કરેલા અનુષ્ઠાનને બિરદાવવા હવે વરસાદ ખડે પગે રહી પાણી સીંચ્યા કરે છે. ધરતી અને આકાશનું મિલન જોઇને સરિતાને પણ સાગર મિલનની તલપ લાગે છે, અને પૃથ્વી પરની સરિતાઓ તરોતાજા શૃંગાર કરી સાગરનું મુખ જોવા દોડે છે.,અને સાગર જવાબદારી પુર્વક તેમને પોતાની લહેરોમાં સમાવે છે.
           ઈશ્વરે પૃથ્વી પર સર્જેલા સૌથી મોંઘા ઝવેરાત પાંદડા અને ફૂલડાં પર આ વરસાદ મીનાકારી અને નક્શીકામ કરે છે અને તેમની સુંદરતા વધારે છે. ગંગાજળ સમાન પવિત્ર વરસાદમાં પશુ પંખીઓ પલળે છે.વરસાદને ચાંચમાં ભરતાં પંખીઓ જાણે માણસને જળની અમૂલ્યતા સમજાવે છે. વરસાદનું ટીપું જાણે પશુ પંખી અને માણસના અશ્રુબિંદુ સાથે સ્પર્ધામાં ઉતરે છે અને મેદાન મારી જાય છે.
            પંખા, એ. સી,કુલર અને ફ્રીજ હવે ભોંઠા પડે છે. અને ભજીયા-પતરવેલિયાં, મગફળીનો ઓળો , મકાઈનો ડોડો વગેરે માટે ગેસ -ચૂલા ધમધમે છે. બેંકની એફ ડી પાકતી તારીખો ભુલાવી દેતો વરસાદ માણસને અંદરથી માલામાલ કરી દે છે. વરસાદ તમારા તમારી જાત સાથેના સંવાદમાં સંવેદનશીલતા ઉમેરી તમારા જીવનરૂપી પિક્ચરમાં અસરકારક બેકગ્રાઉન્ડ મ્યુઝિક ઉત્પન્ન કરે છે. તેથી આ મૌસમમાં અનુભવેલા સુખ અને દુઃખની તીવ્રતા વધુ મહેસુસ થાય છે. જે જીવનનો આનંદ વધારે છે. પરંતુ આ વરસાદ તમે બસસ્ટેન્ડે બસની રાહ જોતાં હોઈએ ત્યારે કે, તડામાર કરી પલળતાં રેલવે સ્ટેશન પહોંચ્યા હોઇએ અને ટ્રેઈન મોડી હોય ત્યારે તથા લગ્ન પ્રસંગે અને દવાખાનામાં હોઇએ ત્યારે અણગમતો બને છે. પણ આ અગવડતાં ટૂંકા ગાળાની હોય છે. પરંતુ વરસાદી મૌસમમાં માણેલી મજા અને પછીથી એ વાગોળવાની મજા ચિરસ્થાયી હોય છે.
 “ન આપશો મને વરસાદના સોગંદ
 આ વરસાદથી મને લગાવ છે”
  • (પહેલાં વરસાદની અનુભૂતિ)
ઠાકર એકતા ઉપેન્દ્રકુમાર
આચાર્યશ્રી બામણગામ પ્રાથમિક કન્યા શાળા
તાલુકો :- આંકલાવ, જિલ્લો :- આણંદ

Related posts

આણંદ જિલ્લામાં ૦૯ નવેમ્બરથી ૧૫ ડિસેમ્બર દરમિયાન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે…

Charotar Sandesh

રાહત : આણંદ જિલ્લામાં બે દિવસ દરમ્યાન એકપણ કેસ નથી નોંધાયો…

Charotar Sandesh

રાજ્ય શિક્ષક સંઘ દ્વારા “કાયઝાલા” એપ નો બહિષ્કાર કરવા આદેશ…

Charotar Sandesh