Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

વિશ્વ દિવ્યાંગ દિને વડતાલ ધામના આંગણે યોજાયો દિવ્યાંગજનોની સેવાનો યજ્ઞ

સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને સમાજ સેવાની સાથે પ્રાકૃતિક ખેતીને વેગ આપવાના કાર્યના વાહક બનવા આહવાન કરતાં રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રત

રાજ્યપાલશ્રી તેમજ સંતો – મહંતો અને મહાનુભાવોના હસ્તે ૨૨ જેટલા દિવ્યાંગજનોનું ભારત દિવ્યાંગ રત્ન એવોર્ડ – સન્માનપત્ર આપી સન્માન કરાયું

વડતાલ : વિશ્વ દિવ્યાંગ દિને સ્વામિનારાયણ ગોકુલ ધામ – નાર દ્વારા વડતાલ ધામના આંગણે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિમાં અને પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજની ઉપસ્થિતિમાં એક કદમ દિવ્યાંગ સેવા કી ઓર કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ વડતાલ ધામના આંગણે યોજાયેલા દિવ્યાંગજનોના સેવા માટેના યજ્ઞ કાર્યને બિરદાવતા જણાવ્યું હતુ કે, સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સર્વજન સુખાય, સર્વજન હિતાય માટેનું કાર્ય થઈ રહયું છે. આ સંપ્રદાયના સંતો જળ સંરક્ષણ, ગૌ માતાની સેવા, શિક્ષણ માટે ગુરૂકુળની સ્થાપના સહિતના અનેકવિધ સેવા પ્રકલ્પો દ્વારા સમાજની સેવાનું સંનિષ્ઠ કાર્ય કરી રહયા છે.

તેમણે વિશ્વ દિવ્યાંગ દિને દિવ્યાંગજનોને ‘‘દિવ્યાંગ’’ થી ‘‘સર્વાંગ’’ બનાવવા માટે યોજાયેલા ‘‘એક કદમ દિવ્યાંગ સેવા કી ઓર કાર્યક્રમનો ઉલ્લેખ કરી માનવતાની આનાથી બીજી કોઈ જ મોટી સેવા હોઈ ન શકે, આજે માનવતાના મૂલ્યોને જીવંત રાખવાનું અભિનવ કાર્ય થયું છે, તેમ જણાવી વધુમાં ઉમેર્યું હતુ કે, આ સેવા કાર્ય દ્વારા સંતોએ સમાજ માટે બહુમૂલ્ય યોગદાન આપ્યું છે. અન્યોના દુઃખ – દર્દને સમજી તેને દૂર કરવાનું કાર્ય અહિંના સંતોએ કર્યું છે. આ ચિંતન જ આપણી સંસ્કૃતિનું અભિન્ન અંગ રહયું છે.

વિશ્વ દિવ્યાંગ દિને યોજાયેલ આ કાર્યક્રમમાં ૭૦૦ જેટલા દિવ્યાંગજનોને Hi – Tech – Prosthetic limbs અર્પણ કરવામાં આવ્યા હતા. આ તકે રાજ્યપાલશ્રી તેમજ સંતો – મહંતો અને મહાનુભાવોના હસ્તે ૨૨ જેટલા દિવ્યાંગજનોનું ભારત દિવ્યાંગ રત્ન; એવોર્ડ – સન્માનપત્ર આપી સન્માન કરાયું હતુ. જયારે દાતાશ્રી શૈલેષભાઈ પટેલને શાલ ઓઢાડીને રાજયપાલશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્યપાલશ્રીના હસ્તે હાથ ઝાલ્યો તો લીધા ઉગારી ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું હતુ.

ઉલ્લેખનીય છે કે, એક કદમ દિવ્યાંગ સેવા કી ઓર કાર્યક્રમના માધ્યમ દ્વારા એકસાથે એક જ સ્થળેથી ૭૦૦ જેટલા દિવ્યાંગજનોની સેવા માટે યોજાયેલા આ યજ્ઞકાર્યની નોંધ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ – લંડન દ્વારા લેવામાં આવી હતી. આ ઉપરાંત ખૂબ જ ઓછા સમયમાં એક જ સ્થળેથી ૭૦૦ જેટલા દિવ્યાંગોને લાભ આપવા બદલ વર્લ્ડ ટેલેન્ટ ઓફ એકસલન્સ – યુ.એસ.એ. દ્વારા પણ નોંધ લેવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિધાનસભાના મુખ્ય દંડકશ્રી પંકજભાઇ દેસાઈ, આણંદના સાંસદશ્રી મિતેષભાઈ પટેલ, અગ્રણીશ્રી ભાર્ગવભાઈ, જિલ્લા કલેકટરશ્રી કે. એલ. બચાણી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મેહુલભાઇ દવે, ઈન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી અર્પીતા પટેલ, નિવાસી અધિક કલેકટરશ્રી બી. એસ. પટેલ, દાતાશ્રીઓ, વડતાલ સંસ્થા – મંદિરના સંતો – મહંતો, સત્સંગીઓ તેમજ લાભાર્થી દિવ્યાંગજનો ઉપસ્થિત રહયા હતા.

Other News : પાવાગઢ ખાતે મેઇન્ટેનન્સની કામગીરીને લઇને ૧૩થી ૧૮ ડિસેમ્બર સુધી રોપ વે સેવા રહેશે બંધ

Related posts

આણંદમાં હાઈવે ચક્કાજામ કરતાં પોલીસનો લાઠીચાર્જ, ગ્રામજનોએ પથ્થરમારો કરતાં ૮ કર્મી ઈજાગ્રસ્ત…

Charotar Sandesh

આણંદના પ્રસિદ્ધ પીપળાવ આશાપુરી માતાના મંદિરે NRI ભક્ત દ્વારા ર૭ લાખનો સોનાનો મુગટ અર્પણ કરાયો

Charotar Sandesh

૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સી. આણંદ દ્વારા વિશ્વ જળ દિવસની ઉજવણી કરાઈ…

Charotar Sandesh