Charotar Sandesh
ઈન્ડિયા

અંતિમ વર્ષની પરીક્ષા લીધા વગર વિદ્યાર્થીઓને પાસ કરી શકાય નહી : સુપ્રીમ કોર્ટનો ચૂકાદો…

દેશભરના તમામ ફેકલ્ટીના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા યુજીસીના આદેશને યથાવત રાખતી સર્વોચ્ચ અદાલત…

રાજ્યોને માત્ર પરીક્ષા મોડી કરવાના અધિકાર, પરીક્ષા રદ કરવાની સત્તા નથી…

નવી દિલ્હી : કોરોના લોકડાઉનના કારણે અનિયમિત અને અટકી પડેલા શિક્ષણ વચ્ચે કોલેજોમાં પરીક્ષા લેવા વિશે જામેલા કાનૂની જંગમાં આખરે સર્વોચ્ચ અદાલતે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)ની તરફેણમાં ચૂકાદો આપ્યો છે અને કોલેજોમાં આખરી વર્ષની પરીક્ષા લેવી જ પડે તેવો ચૂકાદો જાહેર કર્યો છે.

સર્વોચ્ચ અદાલતે આજે ચૂકાદામાં જણાવ્યું છે કે, રાજ્યો તથા યુનિવર્સિટીઓ અંતિમ વર્ષનાં વિદ્યાર્થીઓને સીધા પ્રમોશન આપી ન શકે. 30 સપ્ટેમ્બર સુધીમાં અંતિમ વર્ષના વિદ્યાથીઓની પરીક્ષા લઇ લેવાનું પણ સૂચવ્યું છે. યુજીસીએ અંતિમ વર્ષના તમામ ફેકલ્ટીઓના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનુંં જાહેર કર્યું હતું તે સામે કેટલાક રાજ્યોએ વાંધો લીધો હતો પરિણામે સમગ્ર મામલો સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે. સુપ્રિમ કોર્ટના જસ્ટીસ અશોક ભૂષણના વડપણ હેઠળની બેંચે ચૂકાદામાં કહ્યું કે, કોઇ રાજ્યો નિયત સમયમાં પરીક્ષા લેવામાં અસમર્થ હોય તો નવા સમયપત્રક માટે યુજીસીનો સંપર્ક કરી શકે છે.

શિવસેનાની યુવા પાંખ એવી યુવા સેનાએ પરીક્ષા લેવાના યુજીસીના નિર્ણયને સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો હતો. કોરોના મહામારીને કારણે પરીક્ષા નહીં લેવાની માંગ કરી હતી. યુજીસીએ છ જુલાઈએ નિષ્ણાંતોની ભલામણોને આધારે અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા માટેની માર્ગદર્શિકા જારી કરી હતી પરંતુ યુવા સેના તથા કેટલાક રાજ્યોએ પરીક્ષા યોજવાનું શક્ય ન હોવાનું કહ્યું હતું અને સમગ્ર મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો હતો.મહારાષ્ટ્ર તથા દિલ્હી જેવા રાજ્યોએ તો ફાઈનલ યરની પરીક્ષા રદ પણ જાહેર કરી દીધી હતી પરંતુ યુજીસીએ એવી દલીલ કરી હતી કે અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને પરીક્ષા વિના સીધા પ્રમોશન આપવામાં આવે તો ઉચ્ચ શિક્ષણની ગુણવત્તાને અસર થશે. સુપ્રિમ કોર્ટે આજે આપેલા ચૂકાદામાં યુજીસીની માર્ગદર્શિકાને પણ યોગ્ય ગણાવી છે અને 30મી સપ્ટેમ્બર સુધીમાં પરીક્ષા યોજી લેવાનું જણાવ્યું છે. રાજ્યોની સરકારો સંકટકાળમાં પરીક્ષા ટાળવાનો નિર્ણય ન લઇ શકે તેવું પણ સ્પષ્ટ કર્યું છે.

Related posts

દેશ મૂળ સુવિધાઓની પૂર્તિથી સારા જીવનના સપનાને પૂરુ કરવા તરફ વધી રહ્યો : PM મોદી

Charotar Sandesh

દેશના ૯ રાજ્યોમાં બર્ડ ફ્લૂની દહેશત : સરકારે એડવાઇઝરી જાહેર કરી…

Charotar Sandesh

સતત નવમા દિવસે પેટ્રોલમાં ૪૮ પૈસા અને ડિઝલમાં ૫૯ પૈસાનો વધારો…

Charotar Sandesh