Charotar Sandesh
ગુજરાત

અંબાજી મંદિર રહેશે ખુલ્લુ, નવરાત્રિ દરમિયાન દર્શનનો સમય બદલાયો…

અંબાજી : કોરોનાકાળમાં અનેક મંદિરો નવરાત્રિમાં બંધ રહેવાના છે. તો બીજી તરફ, સરકારે ગરબાના આયોજન પર મુકેલા પ્રતિબંધથી માતાજીના આરાધકોમાં નિરાશા જોવા મળી છે. પરંતુ આ વચ્ચે એક સારા સમાચાર એ છે કે, ૫૧ શક્તિપીઠમાંથી એક એવા આદ્યશક્તિ મા અંબાનું મંદિર અને તેમનું મૂળ સ્થાન ગબ્બર પર્વત ધામ નવરાત્રિમાં ભાવિક ભક્તો માટે ખુલ્લું રહેશે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ગબ્બરની ફરતે સ્થાપિત કરાયેલી ૫૧ શક્તિપીઠોની પ્રતિકૃતિને કારણે ભક્તોને અહીં એક જ સ્થળે તમામ શક્તિપીઠોના દર્શનનો દુર્લભ લ્હાવો સાંપડે છે.
રાજ્ય સરકારની સુચના અનુસાર ચાલુ વર્ષે અંબાજીમાં ગરબાનું આયોજન રદ્દ કરાયું છે, પરંતુ નવરાત્રિ દરમિયાન માતાજીના મંદિરમાં દર્શન રાબેતા મુજબ ચાલુ રહેશે. કોરોનાના પગલે અંબાજી દર્શન માટે પધારતા ભક્તોના આરોગ્યની સલામતી પર વિશેષ ભાર મુકતા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા રાજ્ય સરકારની કોવિડ ૧૯ અંગેની માર્ગદર્શિકા મુજબની તમામ સુવિધા અને વ્યવસ્થા મંદિર પરિસર અને મૂળ સ્થાન શક્તિપીઠ ગબ્બર પર્વતે કરવામા આવી છે. આ ઉપરાંત સ્થાનિક લોકો, ઓટો અને ટેક્સી ચાલકો, ધર્મશાળા અને હોટલો દ્વારા દર્શનાર્થીઓને કોરોનાથી બચાવવા માટેના સ્વાસ્થ્ય સંબંધી પગલાં લેવામાં આવી રહ્યા છે.
નવરાત્રિ દરમિયાન ૧૭ ઓક્ટોબરથી યાત્રાળુઓ માટે દર્શન માટેનો સમય સવારે ૮થી ૧૧.૩૦, બપોરે ૧૨.૩૦ થી ૪.૧૫ અને સાંજે ૭થી રાત્રે ૯ વાગ્યા સુધીનો રહેશે. દરેક શ્રદ્ધાળુએ મંદિરમાં ફરજિયાત પણે માસ્ક પહેરીને પ્રવેશ કરવાનો રહેશે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ સાથે સેનિટાઈઝ અને સ્ક્રિનિંગ થયા બાદ જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે.
મંદિર પ્રશાસને ૧૦ વર્ષથી ઓછી વયના બાળકો અને ૬૫ વર્ષથી વધુની વય ધરાવતાં નાગરિકોને હાલના મહામારીના સમયમાં દર્શન માટે નહીં આવવા પણ અપીલ કરી છે.
૧૬૦૦ ફૂટની ઊંચાઈએ આવેલું માં અંબાનું મૂળ સ્થાન શક્તિપીઠ ગબ્બર પર્વત અંબાજી ધામ પણ ભાવિકભક્તો માટે ખુલી ગયું છે. માતાજીનું મૂળ પ્રાગટ્ય સ્થાન ગબ્બર પર્વત અંબાજીથી ત્રણ કિમીના અંતરે સ્થિત છે. માતાજીના ૫૧ શક્તિપીઠોમા પ્રમુખ શક્તિપીઠ મૂળ સ્થાન ગબ્બર પર્વત ઉપર મા અંબાજીના અખંડ જ્યોતના સંપૂર્ણ દર્શન માટે રોપવે (ઉડનખટોલા) યાત્રિકોની સેવામાં તકેદારી અને સભાનતાની સાથે કાર્યરત રહેશે.

Related posts

ડેલ્ટા પ્લસ વેરિએન્ટની ગુજરાતમાં એન્ટ્રી, નોંધાયા એક સાથે ૨ કેસ…

Charotar Sandesh

લોકડાઉન વચ્ચે અમદાવાદની અનેક દુકાનોમાં સોશિયલ ડિસ્ટન દેખાયું…

Charotar Sandesh

હવામાનની હિટવેવની આગાહી, આગામી ૫ દિવસ ૪૨ ડિગ્રી રહેશે તાપમાન…

Charotar Sandesh