અમદાવાદ : અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં કોરોનાના ૮ દર્દીના મૃત્યુ થયા છે. આ દુર્ઘટના માટે આપણી સિસ્ટમ જ ફરી એકવાર વિલન બની છે.
અમદાવાદમાં કુલ ૨૧૦૦ મોટી હોસ્પિટલ આવેલી છે અને તેમાંથી ફાયર એનઓસી માત્ર ૯૧ પાસે જ છે. આ ઉપરથી જ આપણી સિસ્ટમમાં ચાલતી લાલીયાવાડીનો તાગ મેળવી શકાય છે. મહામારીની પરિસ્થિતિમાં ખાનગી હોસ્પિટલોને નોટિસ આપતું મ્યુનિ. તંત્ર હોસ્પિટલોમાં જ્યાં દર્દી સારવાર લેવા જાય છે તેના સહિત અન્ય લોકોની સુરક્ષા માટે જરૂરી કાર્યવાહી કરાવવામાં નિષ્ફળ નીવડ્યું છે.
અમદાવાદની મ્યુનિ. અને સરકાર હસ્તકની ૧૩ મોટી હોસ્પિટલો કાર્યરત છે. જેમાં અસારવા સિવિલ હોસ્પિટલ, યુ.એન. મહેતા હોસ્પિટલ, સોલા સિવિલ, એસ.વી.પી., શારદાબહેન હોસ્પિટલ, એલ.જી. હોસ્પિટલ, નગરી હોસ્પિટલ, બાપુનગર જનરલ હોસ્પિટલનો સમાવેશ થાય છે.
મ્યુનિ.એ એપેડેમિક એક્ટ હેઠળ ૫૦થી વધુ ખાનગી હોસ્પિટલો સાથે કોવિડના પેશન્ટોને સારવાર મળે તેના માટે એમઓયુ કરેલા છે. ૨૧૦૦ હોસ્પિટલો સામે ૯૧ હોસ્પિટલો દ્વારા આ વર્ષે જાન્યુઆરીથી જુલાઇ સુધીમાં ફાયર વિભાગની એનઓસી મેળવાઇ છે.